ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, BIMSTECમાં મોહમ્મદ યૂનુસની PM મોદી સાથે મુલાકાત કરાવવાની ભારતે ચોખ્ખી ના પાડી દીધી
મોહમ્મદ યૂનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સે સૂત્રોના સંદર્ભે જણાવ્યું છે કે ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક કરાવવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ આગામી મહિને 2-4 એપ્રિલના રોજ યોજાનાર BIMSTEC સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વખત હશે જ્યારે વડાપ્રધાન મોદી અને યૂનુસ બહુપક્ષીય કાર્યક્રમમાં સામસામે હશે. પરંતુ આ સમિટ દરમિયાન બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક નહીં થાય.
બાંગ્લાદેશે BIMSTEC સમિટમાં ભારત અને બાંગ્લાદેશના ટોચના નેતાઓ વચ્ચે બેઠક માટે વિનંતી કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને આ વાતની પુષ્ટિ કરી હતી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને ગુરુવારે (20 માર્ચ) સમાચાર એજન્સી ANIને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવા માટે ભારત સાથે રાજદ્વારી સંપર્ક કર્યો છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, સુત્રોએ જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં પરિસ્થિતિ સારી નથી. એવામાં, બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોગ્ય નથી. જોકે, આ બહુપક્ષીય કાર્યક્રમમાં એકબીજાને રૂબરૂ મળવાની કે શુભેચ્છા પાઠવવાની શક્યતાને નકારી શકાય નહીં, પરંતુ આ સિવાય, કોઈ દ્વિપક્ષીય બેઠકની અપેક્ષા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp