PM નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રી જાહેર કરવાને લઈને દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાના આદેશને રદ કર્યો છે. દિલ્હી યુનિવર્સિટીએ કેન્દ્રીય માહિતી આયોગના આદેશને પડકાર્યો હતો. 2016માં દાખલ કરાયેલી RTI અરજીના આધારે, CICએ દિલ્હી યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સચિન દત્તાના આદેશ અનુસાર, શૈક્ષણિક રેકોર્ડ અને ડિગ્રી જાહેર કરવી ફરજિયાત નથી. વડાપ્રધાન મોદીના શૈક્ષણિક રેકોર્ડ જાહેર કરવા અંગેની આ કાનૂની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. માહિતી અધિકાર (RTI) હેઠળ અરજી દાખલ કર્યા બાદ, કેન્દ્રીય માહિતી આયોગે 21 ડિસેમ્બર, 2016ના રોજ 1978માં BA પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરીક્ષા પણ પાસ કરી હતી.
યુનિવર્સિટીએ તૃતીય પક્ષોને સંબંધિત માહિતી શેર ન કરવાના નિયમોનો ઉલ્લેખ કરીને ઇનકાર કર્યો હતો. જોકે, સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC એ આ દલીલ સ્વીકારી નહોતી અને ડિસેમ્બર 2016માં DUને નિરીક્ષણની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. CICએ કહ્યું હતું કે કોઈપણ સાર્વજનિક વ્યક્તિ, ખાસ કરીને વડાપ્રધાનની શૈક્ષણિક લાયકાત પારદર્શક હોવી જોઈએ. CICએ એમ પણ કહ્યું હતું કે આ માહિતી ધરાવતા રજિસ્ટરને જાહેર દસ્તાવેજ ગણવામાં આવશે.
યુનિવર્સિટીએ આ આદેશ સામે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેનું પ્રતિનિધિત્વ ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને તેમની કાયદાકીય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ડેટા જાહેર કરવાથી એક ખતરનાક ઉદાહરણ કયાં થશે, જે સરકારી અધિકારીઓના કામકાજમાં અવરોધ ઊભો કરી શકે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો રાજકીય હેતુઓથી પ્રેરિત રેકોર્ડ જાહેર કરવાની હિમાયત કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp