'મોદી અદાણી ભાઈ-ભાઈ...' લખેલી બેગ લઈને સંસદમાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી, જુઓ વીડિયો

'મોદી અદાણી ભાઈ-ભાઈ...' લખેલી બેગ લઈને સંસદમાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી, જુઓ વીડિયો

12/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'મોદી અદાણી ભાઈ-ભાઈ...' લખેલી બેગ લઈને સંસદમાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી, જુઓ વીડિયો

Priyanka Gandhi Vadra Black Jholas Modi Adani Bhai Bhai: સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના સાંસદો તરફથી અદાણી કેસ પર ચર્ચાની સતત માગ કરવામાં આવી રહી છે, તેની સાથે સંસદ પરિસરમાં રોજ નવા પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક વિપક્ષી સાંસદોએ મંગળવારે અદાણી મુદ્દે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. તેઓ સાથે કાળા રંગની ‘બેગ’ લાવ્યા, જેની એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના વ્યંગચિત્રો છપાયેલા હતા, જ્યારે બીજી બાજુ ‘મોદી અદાણી ભાઈ ભાઈ’ લખેલું હતું.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદો સંસદની બેઠક અગાઉ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ ઉપરાંત અન્ય વિપક્ષી દળો પણ ભાગ લઈ રહ્યા છે. કાળા રંગની થેલીઓ પર મોદી-અદાણીના નામ છપાવવા એ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધની શ્રેણીમાં એક નવી પદ્ધતિ છે.


એક બાજુ વ્યંગચિત્રો અને બીજી બાજુ સ્લોગન

એક બાજુ વ્યંગચિત્રો અને બીજી બાજુ સ્લોગન

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ, DMK, ઝારખંડ મુક્તિ મોરચા (JMM), ડાબેરી પક્ષોના સાંસદો સહિત અન્ય સાંસદોએ મકર દ્વારની પગથીયા સામે વિરોધ પ્રદર્શન કર્યું. આ સાંસદો કાળા રંગની 'બેગ' લઈને આવ્યા હતા, જેની એક તરફ મોદી અને અદાણીના વ્યંગચિત્રો છપાયેલા હતા અને બીજી બાજુ 'મોદી અદાણી ભાઈ-ભાઈ' લખેલું હતું.

વિરોધ દરમિયાન, તેમણે વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચેના કથિત સાંઠગાંઠ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) તપાસની માગણી પણ કરી. ગયા અઠવાડિયે તેઓ કાળા જેકેટ પહેરીને આવ્યા હતા, જેની પાછળ મોદી-અદાણી ભાઈ-ભાઈનું સ્ટીકર લાગેલું હતું.

મંગળવારે સંસદીય કાર્યવાહી શરૂ થવા અગાઉ, રાહુલ ગાંધીએ વિવિધ મુદ્દાઓ પર પક્ષના વલણ અને સંસદમાં આગળના માર્ગની સમીક્ષા કરવા માટે લોકસભામાં કોંગ્રેસના સાંસદોની બેઠક યોજી હતી.


રાહુલે ગઈ કાલે નકલી ઈન્ટરવ્યૂ લીધું હતું

રાહુલે ગઈ કાલે નકલી ઈન્ટરવ્યૂ લીધું હતું

વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધને સોમવારે પણ અનોખી શૈલીમાં પ્રદર્શન કર્યું હતું. ગઈકાલે વિરોધ દરમિયાન, રાહુલે વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણીના માસ્ક પહેરેલા કોંગ્રેસના સાંસદો સાથે આ મુદ્દા પર નકલી 'ઈન્ટરવ્યૂ' લીધું હતું. સંસદ પરિસરમાં મકર દ્વારની પગથિયાઓ સામે ઉભા રહીને, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગઈકાલે વિરોધ પક્ષોના અન્ય સાંસદો સાથે 'મોદી, અદાણી એક છે' અને 'અમને ન્યાય જોઈએ છે'ના નારા લગાવ્યા હતા.

સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ અદાણી મુદ્દે સંસદ પરિસરની અંદર સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અદાણી અને કંપનીના અન્ય અધિકારીઓને યુએસ કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ કોંગ્રેસ અને અન્ય કેટલાક વિરોધ પક્ષો JPC તપાસની માગ કરી રહ્યા છે. રાહુલ અદાણીની તાત્કાલિક ધરપકડની પણ સતત માગ કરી રહ્યા છે. જો કે, અદાણી ગ્રુપે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top