ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ સાર્કોઝીને 7 વર્ષની જેલની સજા આપવાનો અનુરોધ, જાણો શું છે મામલો
Nicolas Sarkozy: ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોઝીને એક કેસમાં 7 વર્ષથી વધુની જેલની સજા ફટકારવાની વિનંતી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સના વકીલોએ ટ્રાયલમાં પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોઝીને 7 વર્ષની જેલ અને અંદાજે 325,000 અમેરિકન ડોલરના દંડની સજા કરવાની વિનંતી કરી છે.
આ કેસમાં, તેમના પર આરોપ છે કે, 2007ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાર્કોઝીના પ્રચાર અભિયાનમાં લીબિયાના ભૂતપૂર્વ નેતા મુઅમ્મર ગદ્દાફીની સરકાર વતી ગેરકાયદેસર રીતે નાણાંકીય સહાયતા આપવામાં આવી. એટલે તેમની સામે કાર્યવાહી કરીને સજા આપવી જોઈએ.
નેશનલ ફાઇનાન્શિયલ પ્રોસિક્યૂશન ઓફિસે પણ સાર્કોઝીના નાગરિક, સિવિલ અને પારિવારિક અધિકારો પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે. આ કેસની સુનાવણી જાન્યુઆરીમાં શરૂ થઈ હતી અને 10 એપ્રિલે સમાપ્ત થવાની ધારણા છે. જો આ કેસમાં તેમના પર લાગેલા આરોપો સાબિત થાય છે તો તેમને 7 વર્ષથી વધુ જેલમાં રહેવું પડી શકે છે.
સાર્કોઝી (ઉંમર 70 વર્ષ) 2007-2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા. તેમના પર ભ્રષ્ટાચાર, ચૂંટણી પ્રચાર અભિયાન માટે ગેરકાયદેસર ધિરાણ, જાહેર ભંડોળની ઉચાપતને છુપાવવા અને ગુનાહિત મિલીભગતનો આરોપ છે. જો કે તેમણે કોઈપણ ગેરરીતિનો ઈનકાર કર્યો છે. વર્ષ 2012માં, ફ્રેન્ચ ઇન્વેસ્ટિગેટિવ મીડિયા સંસ્થા મીડિયાપાર્ટે લીબિયન ઇન્ટેલિજન્સની મેમોરેન્ડમ પ્રકાશિત કર્યું હતું, જેમાં 50 મિલિયન યુરોના ધિરાણ સોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાર્કોઝીએ આ દસ્તાવેજને બનાવટી ગણાવ્યા અને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp