Quad leaders condemn Pahalgam Terror Attack: અમેરિકાના વોશિંગ્ટનમાં QUADના વિદેશ મંત્રીઓની બેઠકમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સર્વાનુમતે નિંદા કરવામાં આવી હતી. આ QUAD બેઠકમાં સામેલ ચારેય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. QUADના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે QUAD સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાની નિંદા કરે છે. અમે તેની તમામ સ્વરૂપોમાં નિંદા કરીએ છીએ અને આતંકવાદ સામે લડવામાં સહયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. અમે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકનું મોત થઈ ગયું હતું, જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની ગાઢ સંવેદના વ્યક્ત કરીએ છીએ અને બધા ઇજાગ્રસ્તોની ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરીયે છીએ. અમે માગ કરીએ છીએ કે આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને વિલંબ કર્યા વિના ન્યાયના કઠેડામાં લાવવામાં આવે અને સંયુક્ત રાષ્ટ્રનાના તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત સંયુક્ત સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ પોતાના દાયિત્વ અનુસાર આ સંદર્ભમાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરવા હાકલ કરીએ છીએ.
QUADના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે, અમેરિકના વિદેશ મંત્રી અને ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓએ, 1 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન અમે વધુ ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને લઈને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અમે કાયદા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડો-પેસિફિકમાં 4 મુખ્ય દરિયાઈ શક્તિઓ તરીકે અમને વિશ્વાસ છે કે દરિયાઈ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આ પ્રદેશની સુરક્ષા અને સમૃદ્ધિનો આધાર છે. અમે એવા પ્રદેશ માટે પ્રતિબદ્ધ છીએ, જ્યાં બધા દેશો દબાણથી મુક્ત હોય અને અમે બળ અથવા દબાણ દ્વારા યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરતી કોઈપણ એકપક્ષીય કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ.
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તકો અને પડકારો પર ચર્ચા કરી અને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગમાં QUADની શક્તિઓ અને સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિચારણા કરી. QUADની લાંબા ગાળાની અસર સુનિશ્ચિત કરવા માટે, અમે આજે એક નવોમહત્ત્વકાંક્ષી અને મજબૂત એજન્ડા જાહેર કરતા ખુશ છીએ, જે 4 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા, મહત્ત્વપૂર્ણ અને નવી ટેકનોલોજી અને માનવતાવાદી સહાય અને કટોકટી સહાયનો સમાવેશ થાય છે. આ અંતર્ગત, અમે QUADની ક્ષમતામાં વધુ વધારો કરીશું જેથી અમારા સંસાધનોનો ઉપયોગ પ્રદેશના સૌથી તાત્કાલિક પડકારોનો સામનો કરવા માટે અસરકારક રીતે થઈ શકે.
આ અગાઉ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલગામ હુમલા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે તે હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. ભવિષ્યમાં પણ, જ્યારે પણ અમારી જમીન પર આતંકવાદી હુમલો થશે, ત્યારે ભારત જડબાતોડ જવાબ આપશે. આ સાથે જ પહેલગામ હુમલાનો ઉલ્લેખ ન હોવાને કારણે રાજનાથ સિંહે જોઇન્ટ સ્ટેટમેન્ટ પર સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો.