ગુજરાત ડેસ્ક : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન હવામાન વિભાગે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ભારે વરસાદ થયો છે. તો વરસ્યા મેઘરાજાએ લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મુક્યું હતું. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબારી, ખીમાણા, કંબોઇ સહિતના ગામોમાં વરસાદ પડતાં ધરતી પુત્રોમાં આનંદ છવાયો છે. તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ભારે વરસાદ થયો છે. હનુમાન ટેકરી, ધાનાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સારા વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટી સતત વધી રહી છે. અત્યાર સુધીમાં ડેમની જળ સપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જોકે દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં પાણી ભરાયા હતા. મંગળવારે બપોરે 12 વાગ્યે હિંમતનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મુશળધાર વરસાદના કારણે શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. શહેરની સાથે હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર સહિત આસપાસના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો. સારા વરસાદના કારણે હિંમતનગર તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. તો વડાલી તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મેઘમહેરથી ખેડૂતો ખુશ, અરવલ્લી જિલ્લામાં હજુ પણ મેઘમહેર યથાવત છે. માલપુર અને ભિલોડા તાલુકામાં ભારે વરસાદ થયો હતો. જિલ્લા મથક મોડાસામાં પણ વરસાદ પડ્યો હતો.