કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, જાણો શું છે મામલો
Imran Pratapgarhi: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ગઇ છે. કથિત રીતે ઉશ્કેરણીજનક ગીત સાથે એડિટેડ વીડિયો પોસ્ટ કરવા બદલ તેમના પર કાર્યવાહી કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ સામે નોંધાયેલી FIR રદ કરી દીધી છે. 17 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની અરજી ફગાવી દીધી હતી. જામનગરમાં ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ ઉશ્કેરણીજનક ગીત સાથે એડિટેડ વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢીએ દાવો કર્યો છે કે, ગુજરાત પોલીસે FIR બદઇરાદે નોંધી છે. એવો આરોપ હતો કે, આ વીડિયો પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. 46 સેકન્ડના આ વીડિયોમાં, હાથ હલાવતા જ્યારે તેઓ ચાલી રહ્યા હતા, તો તેમના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું. એવો આરોપ છે કે, ગીતના શબ્દો ખૂબ જ ઉશ્કેરણીજનક, રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે.
કોર્ટે કહ્યું કે જ્યારે આરોપ બોલાયેલા કે લખાયેલા શબ્દો પર આધારિત હોય છે, ત્યારે એ નક્કી કરવા માટે કે શું માહિતી કોગ્નિઝેબલ ગુનાનો કેસ બનાવે છે, પોલીસ અધિકારીએ શબ્દોની વિષય-વસ્તું વાંચવી જોઇએ. કોર્ટે કહ્યું કે ઘણા લોકો બીજાના વિચારોને નાપસંદ કરે છે, પરંતુ વ્યક્તિના પોતાના વિચારો વ્યક્ત કરવાના અધિકારનું સન્માન અને રક્ષણ કરવું જોઈએ. કવિતા, નાટક, ફિલ્મ, વ્યંગ અને કલા સહિતનું સાહિત્ય માનવ જીવનને વધુ સાર્થક બનાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp