2002 ના રમખાણો અંગે SITએ કહ્યું : ‘મુદ્દાને ગરમ રાખવાનો પ્રયાસ, રાજ્ય સરકારનો કોઈ હાથ ન હતો’

2002 ના રમખાણો અંગે SITએ કહ્યું : ‘મુદ્દાને ગરમ રાખવાનો પ્રયાસ, રાજ્ય સરકારનો કોઈ હાથ ન હતો’

12/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

2002 ના રમખાણો અંગે SITએ કહ્યું : ‘મુદ્દાને ગરમ રાખવાનો પ્રયાસ, રાજ્ય સરકારનો કોઈ હાથ ન હતો’

નવી દિલ્હી: 27 ફેબ્રુઆરી 2002 ના ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં માર્યા ગયેલા સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપવાના SIT ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 

આ મામલે SIT તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ રમખાણોમાં રાજ્ય સરકારનો કોઈ હાથ ન હતો અને આ માત્ર મુદ્દાને ગરમ રાખવા માટેના પ્રયત્નો છે. SIT એ કહ્યું કે તેમણે આ મામલે વ્યાપક અને પૂરેપૂરી ક્ષમતા સાથે કામ કર્યું હતું અને કોઈને બચાવવાનો ઉદ્દેશ્ય ન હતો. SITએ કહ્યું કે તમામ આરોપોની ગહન તપાસ કરવામાં આવી અને તપાસ બાદ ક્યાંય મોટું ષડ્યંત્ર હોવાના પુરાવાઓ મળ્યા નથી. 


SIT એ કોર્ટમાં શું કહ્યું?

SIT તરફથી પક્ષ રાખનાર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, SIT એ પોતાનું કામ યોગ્ય રીતે ન કર્યું તે કહેવું યોગ્ય નથી. તેમ પણ કહેવું અયોગ્ય હશે કે રમખાણોને રોકવા માટે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લીધા ન હતા. મુકુલ રોહતગીએ કહ્યું કે, હિંસા 28 ફેબ્રુઆરીના રોજ થઇ હતી અને ત્યારબાદ તુરંત જ તત્કાલીન મુખ્યમંત્રીએ એક બેઠક યોજીને સેના બોલાવવાનો નિર્ણય કર્યો હતો. 

SIT તરફથી કહેવામાં આવ્યું કે, આ કેસમાં હજારો પાના ફાઈલ કરીને મુદ્દાને ગરમ રાખવા અને કોર્ટ સમક્ષ SIT એ કંઈ કામ નથી કર્યું તેમ સાબિત કરવા સિવાય બીજું કશું જ નથી. ઉપરાંત, તેમણે ગોધરા કાંડ અને ત્યારબાદના રમખાણોની ટાઈમલાઈન પણ જણાવી હતી. 

તેમણે જણાવ્યું કે, 27 ફેબ્રુઆરી 2002 ના દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં આગ લગાવી દેવામાં આવી હતી. જેમાં 59 લોકો જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તેના બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ રમખાણો ફાટી નીકળ્યા હતા. SITએ કહ્યું કે રમખાણો પાછળ મોટા ષડ્યંત્રના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ તે પાછળ સરકારનો કોઈ હાથ ન હતો. 


ઉલ્લેખનીય છે કે ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટને આપેલ અરજીમાં જણાવ્યું હતું કે, SIT સરકારી દબાણ હેઠળ હતી અને સબૂતોની યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી. કોર્ટમાં ઝાકિયા જાફરીના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, SIT ની વાત આવે તો આરોપીઓ સાથે મિલીભગતના સ્પષ્ટ સબૂત મળે છે કારણ કે આ દરમિયાન રાજનીતિક વર્ગ પણ આરોપીઓનો સહયોગી બની ગયો હતો.’ ઝાકિયા જાફરીએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતના રમખાણો એક સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે થયા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top