ગુજરાતમાં ધમધમી રહ્યા છે 5000થી વધુ RMC પ્લાન્ટો! એ પણ મંજૂરી વિના!
ગુજરાત જેમ-જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમ-તેમ નવી બિલ્ડિંગો-મકાનો બની રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નવા બાંધકામોનો રાફડો ફાટ્યો છે. આ બાંધકામોમાં સિમેન્ટ-કોંક્રીટના તૈયાર મટિરિયલનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. જે મટિરિયલ તૈયાર કરવા માટે RMC પ્લાન્ટ (રેડી મિક્સ કોંક્રીટ) બનાવવામાં આવે છે. આવા પ્લાન્ટની સંખ્યા એટલી વધી ગઈ છે કે, જેના લીધે શહેરોમાં હવાના પ્રદૂષણે માઝા મુકી છે. આથી સરકાર હવે આ મુદ્દે ગંભીર બની છે. આગામી દિવસોમાં સરકાર RMC પ્લાન્ટ મુદ્દે એક પોલિસી બનાવવા જઈ રહી છે. હાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ પોલિસી બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
રેડી મિક્સ કોંક્રીટ પ્લાન્ટ એટલે RMC પ્લાન્ટ. જ્યારે નવા બાંધકામ કરવામાં આવે ત્યારે તેમાં ધાબું, છાજલી, પિલર, બીમ સહિતના સ્ટ્રક્ચર બનાવવા માટે રેતી, સિમેન્ટ, કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે છે. જૂની પદ્ધતિ મુજબ બાંધકામના સ્થળે જ રેતી, સિમેન્ટના ઢગલા કરી ત્યાં જ તેને મિક્સ કરીને મટિરિયલ તૈયાર કરાતું હતું. જોકે સમયની માંગ સાથે આ પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. જેથી હવે બાંધકામના સ્થળે ખુલ્લામાં આરસીસી મટિરિયલ તૈયાર કરવાના બદલે તે RMC (રેડી મિક્સ કોંક્રીટ) પ્લાન્ટ દ્વારા મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. આ માટે બાંધકામના સ્થળે કે, તેની નજીક જ આ RMC પ્લાન્ટ નાખવામાં આવે છે અને તેમાં RCC મટિરિયલ તૈયાર કરવામાં આવે છે.
RMC પ્લાન્ટ મુદ્દે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં રહેતા નાગરિકો મોટા પ્રમાણમાં ફરિયાદો કરી રહ્યાં છે. લોકોની ફરિયાદ આવે એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ RMC પ્લાન્ટ સામે પગલાં લઈને કલોજર નોટિસ ફટકારે છે. કલોજર નોટિસ મળતા પ્લાન્ટ સંચાલકો GPCB પાસે આવે છે કે RMC પ્લાન્ટ વગર બાંધકામ કેમ કરવું? અને જો RMC પ્લાન્ટ દૂરના સ્થળે રાખવામાં આવે તો તેનું ટ્રાન્સપોર્ટેશન પરવડે નહીં. જેના લીધે બાંધકામ અટકી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં ગુજરાતભરમાં GPCBની મંજુરીથી ચાલતા RMC પ્લાન્ટની સંખ્યા 659 છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મંજૂરી વગર આખા ગુજરાતમાં 5,000 થી વધુ RMC પ્લાન્ટ ધમધમી રહ્યાં છે. બંને તરફની રજૂઆતને કારણે અને બંને પક્ષકારો સાચા હોવાના કારણે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ છે કે આનો ઉકેલ કેમ લાવવો? આથી તેનો કાયમી રસ્તો કાઢવા માટે સરકારના પર્યાવરણ વિભાગે હવે કમર કસી છે અને RMC પ્લાન્ટ માટે પોલિસી બનાવવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમણે તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
GPCBના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ પોલિસીની મુખ્ય સૈદ્ધાંતિક બાબતો પર ચર્ચા થઈ ચૂકી છે. જેમાં RMC પ્લાન્ટના સ્થળે તકેદારીના પૂરતા પગલાં લેવા પર ભાર મુકાયો છે. પ્લાન્ટ ચાલુ હોય ત્યારે ડસ્ટ ન ઊડે તે જોવાની પ્લાન્ટ સંચાલકની જવાબદારી ફિક્સ કરાશે. આ માટે પ્લાન્ટની ફરતે ખૂબ જ ઊંચે સુધી આડશો લગાડીને અંદરની ડસ્ટ બહાર ન જાય તેવી વ્યવસ્થા કરવાનો નિયમ લાવવામાં આવશે. આ ઉપરાંત પ્લાન્ટમાંથી મટિરિયલ ભરીને ટ્રક જાય ત્યારે પણ ધૂળ, માટી કે ડસ્ટ ન ઊડે તેની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આગામી થોડા દિવસમાં આ પોલિસીની જાહેરાત કરવામાં આવશે તેમ પર્યાવરણ વિભાગના સૂત્રોએ જણાવી રહ્યાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp