Gujarat: હવામાન વિભાગે જણાવ્યું-ગુજરાતમાં આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન?
Gujarat Weather Forecast: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઠંડા પવનોએ લોકોનું જીવન મુશ્કેલ કરી નાખ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના 3 જિલ્લામાં 2 દિવસ સુધી શીતલહેર ચાલવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 19 ડિસેમ્બરે કચ્છ, પોરબંદર અને રાજકોટમાં શીતલહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રીથી 19.6 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. આગામી 5 દિવસમાં તાપમાનમાં 1-2 ડિગ્રીની વધઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે સૌરાષ્ટ્રમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે. તેમજ તાપમાનમાં વધારો થવા છતા પવનના કારણે ઠંડી યથાવત રહેવાની સંભાવના છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ઠંડી વધી રહી છે.
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઠંડી પડશે. 18 ડિસેમ્બર બાદ 3 દિવસ સુધી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે અને 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થશે અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તાપમાનમાં ઝડપથી ઘટશે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડતી ઠંડી પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગઈકાલે રાત્રે નલિયામાં 7.5, રાજકોટમાં 9.3, અમરેલીમાં 9.8, કેશોદમાં 9.9, પોરબંદરમાં 10.5, ભુજમાં 10.6, ગાંધીનગરમાં 12, સુરેન્દ્રનગરમાં 12.5, ડિશામાં 12.8, વડોદરામાં 12.8, મહુવામાં 13.8, કંડલા પૉર્ટમાં 13.5, ભાવનગરમાં 14.4, અમદાવાદમાં 14.8, વલ્લભવિદ્યાનગરમાં 15.2, સુરતમાં 15.2, દ્વારકામાં 16.2, વેરાવળમાં 16.6, ઓખામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp