Gujarat: ઠંડા પવનો સાથે કડકડતી ઠંડી; હવામાન વિભાગે જણાવ્યું આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ
Gujarat Weather Forecast: ગુજરાતમાં જેમ-જેમ ડિસેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવનોના કારણે લોકોના હાડકાં કંપી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. આ સાથે જ રાજકોટ અને પોરબંદરમાં પણ કોલ્ડવેવને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને નલિયામાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. એટલે આ વિસ્તારના લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ હોવાથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં હાલ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો ઉપરાંત ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધે તેવી શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. આ સાથે 5 દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગત રાત્રે ગુજરાતના નલિયામાં 7.5, કેશોદમાં 10.7, રાજકોટમાં 10.8, પોરબંદરમાં 10.9, ભુજમાં 11.2, અમરેલીમાં 11.7, ડિસામાં 12.8, મહુવામાં 13.5, કંડલા પોર્ટમાં 13.6, વડોદરામાં 13.8, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી, અમદાવાદમાં 14.9, સુરતમાં 15.3, ભાવનગરમાં 15.4, દ્વારકામાં 16.2, વેરાવળમાં 16.7 અને ઓખામાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp