હત્યા કરાઇ કે અકસ્માતને કારણે મોત થયું? પૂર્વ ધારાસભ્યના બંગલેથી નીકળ્યા બાદ યુવક રહસ્યમય રીતે ગુમ થયો અને પછી..
03/11/2025
Gujarat
ગોંડલમાં UPSCની તૈયારી કરી રહેલા યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થતા, આ મામલે હવે પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના પુત્રનું નામ જોડાયું છે. મળતી માહિતી મુજબ, ગોંડલમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરનાર રતનલાલ જાટે SPને ફરિયાદ કરી હતી કે 2 માર્ચે તેએ પુત્ર રાજકુમાર બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ મોટેથી બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થયા હતા. ત્યારે ગણેશ જાડેજા અને 8-10 લોકોએ તેના પુત્ર સાથે બંગલામાં મારામારી હતી હતી.
ત્યારબાદ બંને ઘરે જતા રહ્યા હતા. પછી એજ દિવસે તેમનો પુત્ર રહસ્યમય રીતે ગુમ થઇ ગયો. ત્યારબાદ જિલ્લા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ગુમ થયેલા રાજકુમારની શોધખોળ હાથ ધરી હતી. ગઈ કાલે પોલીસે રાજકોટ નજીક તરઘડીયા પાસે તેનું અકસ્માતમાં મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.
મૃતકના પિતાએ આ કેસમાં CBI તપાસની માગ કરી
પોલીસે જણાવ્યું હતું કે, રાજકુમાર 4 માર્ચની મોડી રાત્રે 2:00 વાગ્યે તરઘડિયા નજીક રામધામ આશ્રમથી નીકળીને રસ્તો ક્રોસ કરતો હતો, ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લઇ લીધો હતો અને પછી વાહનચાલક ભાગી ગયો હતો. બરાબર એજ વખતે ત્યાંથી 108 પસાર થઇ, જેના સ્ટાફે રોડ પર અકસ્માતનો ભોગ બનેલા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
જો કે, જેતે સમયે પોલીસ મૃતદેહની ઓળખ કરી શકી નહોતી, જેથી પોસ્ટમૉર્ટમ કરાવીને મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવી દીધો હતો. ગઈકાલે પોલીસને રાજકુમારનો મૃતદેહ હોવાની શંકા જતા તેના પરિવારજનોને જાણ કરી હતી. જેમાંથી તેના બહેન અને બનેવીએ મૃતદેહની ઓળખ કરી હતી.
મૃતક રાજકુમારના પિતાએ આ કેસમાં CBI તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે, પોલીસે અકસ્માતમાં રાજકુમારનું મોત થયું હોવાની જાહેરાત કરી છે, જે કોઈ પણ હિસાબે ગળે ઉતરતું નથી. તેમનો પુત્ર ઘરેથી નીકળ્યો ત્યારે તેણે ભૂરા કલરનું ટી-શર્ટ હતું, જ્યારે તેના મૃતદેહ પર લાલ રંગનું ટી-શર્ટ મળ્યું છે. આ ટી-શર્ટ કેવી રીતે બદલાઈ ગયું, એવો સવાલ ઉઠે છે. જેનો કોઈ ખુલાસો થયો હતો. આ મામલે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક્સ પર પોસ્ટ કરીને આખી ઘટનાની તપાસ થાય તેવી માગ કરી છે.
અમિત ચાવડાની પ્રતિક્રિયા
ગુજરાતમાં જંગલ રાજ, પોલીસ સ્ટેશનોને તાળું મારી દો. ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેમનો ગુનાહિત ઇતિહાસ છે અને તેઓ ઘણી વખત ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા છે, તેમના પુત્ર સામે પણ ગંભીર આરોપો લાગ્યા છે.
UPSCની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને માર મારવાની અને પછી જયરાજસિંહ જાડેજાના ફાર્મથી ગાયબ થવા અને પછી અજાણ્યા વાહન સાથેના અકસ્માતમાં તેના અચાનક મૃત્યુના સમાચાર મળવાની ઘટના શંકાસ્પદ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. પોલીસ ગલીના ટપોરીઓને પકડીને સોશિયલ મીડિયા પર પબ્લિસિટી સ્ટંટ કરતી રહે છે, પરંતુ મોટા ગુંડા-બદમાશો નિર્ભયતાથી ફરીને ગુનાહિત કૃત્યો કરી રહ્યા છે.
તેમણે ભાજપ નેતાઓને ટેગ કરતા કહ્યું કે, હું તેમને અપીલ કરું છું કે તેઓ આ ઘટનાની નોંધ લે, CBI દ્વારા તપાસ કરાવે અને આરોપીઓને કડકમાં કડક સજા અપાવે જેથી જે પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે તેને ન્યાય મળે.
ઘટના પર ઉભા થતા કેટલાક સવાલ
હવે આ મામલે કેટલાક સવાલો ઉભા થાય તેમ છે કે, જે દિવસે જયરાજ સિંહના બંગલામાં મારામારી થઇ એ જ દિવસે રાજકુમાર ગુમ કઈ રીતે થઇ ગયો? કોઈએ તેનું અપહરણ કરેલું કે તે પોતે ક્યાંક જતો રહ્યો હતો? રાજકુમારને કોઈ વાહન અડફેટે લઇ ગયું એજ સમયે એમ્બ્યુલન્સ આવી જાય એ સમય-સંજોગ એવા હતા કે કોઈએ આ ઘટનાની જાણ કરી હતી? પિતાના જણાવ્યા મુજબ રાજકુમારે ભૂરા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું તો મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે લાલ રંગના ટી-શર્ટમાં કેવી રીતે બદલાઇ ગયું અને કોઇએ બદલ્યું પણ હોય તો કોણે ટી-શર્ટ બદલ્યું હશે?
પોલીસ જે તે સમયે રાજકુમારને ઓળખી શકી નહોતી તો પિતાએ ગુમ થયાની ફરિયાદ કરી ત્યારે પુત્રની ઓળખ માટે ફોટો કે નિશાની એવું કશું જ નહીં આપ્યું હોય? કે શું અકસ્માતમાં રાજકુમારનો ચહેરો એટલો બધો બગડી ગયો હતો કે યુવકની આટલા દિવસ સુધી ઓળખ ન થઇ શકી? ખેર હવે જોવાનું એ રહેશે કે, આ મામલે તપાસ આગળ ચાલે છે કે પછી અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp