ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં થયો જોરદાર ઉછાળો, જાણો કયું રાજ્ય અને કયું શહેર આગળ?
ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર વિકાસની સાથે ભારતમાં અમીરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 મુજબ, હવે દેશમાં 8.71 લાખથી વધુ એવા પરિવાર છે, જેઓની સંપત્તિ 8.5 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. 2021 પછી કરોડપતિ પરિવારોની સંખ્યા લગભગ 90% વધી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 4 વર્ષમાં દર 30 મિનિટે એક નવું કરોડપતિ ઘર આ ક્લબમાં જોડાઈ રહ્યું છે. એટલે કે, દર અડધા કલાકે એક ભારતીય પરિવારની સંપત્તિ આશરે ₹8.5 કરોડને પાર કરી રહી છે.
ભારતમાં અમિરોનો ગ્રાફ ઝડપથી ઊંચો ચડી રહ્યો છે. આ તેજી પાછળનો મુખ્ય આધાર શેરબજારમાં ઉછાળો, નવા બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને રાજ્યોની આર્થિક પ્રગતિ છે. હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ મુજબ, ભારતમાં કરોડપતિ પરિવારોની સંખ્યા 2021માં 4.58 લાખ હતી, જે 2025માં વધીને 8.71 લાખ થઈ ગઈ છે. જો આ જ ગતિએ વૃદ્ધિ ચાલુ રહેશે, તો આગામી 10 વર્ષમાં આ સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે. જો કે, હજુ પણ ભારતમાં કરોડપતિઓની સંખ્યા ચીન કે અમેરિકા જેવા દેશો કરતા ઓછી છે, પરંતુ અહીંની વધતી સંખ્યા ભારતના વિકાસની મોટી કહાની કહે છે.
રિપોર્ટ પ્રમાણે, સૌથી વધું કરોડપતિ પરિવારો સાથે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. અહીંના 1.78 લાખથી વધુ પરિવારોની સંપત્તિ ઓછામાં ઓછી 8.5 કરોડ રૂપિયા છે. ત્યારબાદ બીજા નંબરે દિલ્હી આવે છે, જ્યાં 79,800 કરોડપતિ પરિવારો છે. જ્યારે ત્રીજા ક્રમ સાથે તમિલનાડુમાં 72,600 કરોડપતિ પરિવારો રહે છે. આ યાદીમાં મુંબઈ હજુ પણ ભારતની 'Millionaire Capital' છે, જ્યાં 1.42 લાખથી વધુ શ્રીમંત પરિવારો વસે છે. જ્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લગભગ 31,600 કરોડપતિ પરિવારો છે.
આ ઉપરાંત અમદાવાદ, પુણે, હૈદરાબાદ, દિલ્હી અને ગુરુગ્રામ જેવા શહેરો પણ ઝડપથી ઉભરતા આર્થિક કેન્દ્ર બની રહ્યા છે, જ્યાં કરોડપતિઓની સંખ્યા દરરોજ વધી રહી છે. સુથી વધું કરોડપતિ ધરાવતા રાજ્યોની રેસમાં ગુજરાત પાંચમું સ્થાન ધરાવે છે. જો કે, આ વૃદ્ધિ મુખ્યત્વે મધ્યમ સ્તરના કરોડપતિઓમાં જ જોવા મળી છે. 100 કરોડ રૂપિયા કે તેથી વધુ સંપત્તિ ધરાવતા “અલ્ટ્રા-હાઈ-નેટવર્થ” વ્યક્તિઓનો પ્રમાણ હાલ પણ બહુ ઓછો છે.
દેશના 79% કરોડપતિઓ ટોપ 10 રાજ્યોમાં રહે છે. આ વૃદ્ધિ ટેકનોલોજી, ફાઇનાન્સ અને ઉદ્યોગમાં વૃદ્ધિની સાથે-સાથે મજબૂત બજારોના કારણે થઈ છે. રિપોર્ટ અનુસાર, ભારતની જીડીપી વૃદ્ધિ અને મજબૂત નાણાકીય બજારો આ પરિવર્તનનું મુખ્ય કારણ છે. શેરબજારમાં સતત વધારો, ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો અને રિયલ એસ્ટેટમાં વધી રહેલા રોકાણે પણ ભારતમાં અમીરોની સંખ્યા વધારી છે.
રજૂ થયેલ આ રીપોર્ટમાં કરોડપતિઓની સંપત્તિની ગણતરીમાં બેન્ક બેલેન્સ, શેર, પ્રોપર્ટી, ઘરેણાં અને બિઝનેસની કિંમતનો સમાવેશ થાય છે. આમાંથી લોન બાદ કર્યા પછી જો કુલ સંપત્તિ ઓછામાં ઓછી ₹8.5 કરોડ હોય, તો તે વ્યક્તિ 'મિલિયોનેર' કહેવાય છે. જ્યારે જેની સંપત્તિ $1 બિલિયનથી વધુ હોય (લગભગ ₹8,300 કરોડ), તેને 'બિલિયોનેર' કહેવાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp