પાકિસ્તાને તોડ્યો નિયમ, હવે ICC કરી શકે છે સખત કાર્યવાહી; જાણો શું છે આખો મામલો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. સમાચાર એજન્સી PTI અનુસાર, પાકિસ્તાને એશિયા કપ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ સહિત અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ICCના CEO સંજોગ ગુપ્તાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને કડક શબ્દોમાં ઇમેઇલ મોકલીને આ ઉલ્લંઘનોની વિગતો આપી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથેની મુલાકાત પ્રતિબંધિત વિસ્તારમાં કેમેરામાં કેમ રેકોર્ડ કરવામાં આવી હતી. અહેવાલ છે કે આ ઘટના બુધવારે પાકિસ્તાન અને UAE વચ્ચેની મેચ અગાઉ બની હતી.
પાકિસ્તાન ટીમે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સાથે તેમના ખેલાડીઓની વાતચીત દર્શાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે એન્ડી પાયક્રોફ્ટે રવિવારની હેંડશેક ન કરવાની ઘટના દરમિયાન થયેલી ગેરસમજ માટે માફી માગી હતી. ICCના સૂત્રોનું કહેવું છે કે પ્રતિબંધિત વિસ્તારોમાં ફિલ્માંકન કરવું અને સંવેદનશીલ વાતચીતને જાહેર કરવી એ આચારસંહિતાનું ગંભીર ઉલ્લંઘન છે. બોર્ડ હવે આ મામલે શિસ્તભંગની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વારંવાર ચેતવણીઓ છતા પાકિસ્તાને નિયમોનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનના મીડિયા મેનેજર, નઈમ ગિલાની, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ, મુખ્ય કોચ માઈક હેસન અને કેપ્ટન સલમાન અલી આગાની હાજરીમાં ટીમ મીટિંગમાં સામેલ હતા. આ મીટિંગ ટોસ અગાઉ થઈ હતી.
પાકિસ્તાને જણાવ્યું હતું કે તેનો હેતુ હેંડશેક વિવાદને લગતી કોઈપણ ગેરસમજને દૂર કરવાનો હતો. જોકે, ICCના એન્ટિ કરપ્શન મેનેજરે ગિલાનીને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ PMOA (ખેલાડીઓ અને મેચ અધિકારીઓના ક્ષેત્ર)માં મોબાઇલ ફોન સાથે પ્રવેશવા માંગતા હતા, જ્યાં કડક નિયમો લાગુ પડે છે.
PCBએ મીડિયા મેનેજરને પ્રવેશ ન મળે તો મેચમાંથી ખસી જવાની ધમકી પણ આપી હતી. અંતે દબાણ હેઠળ ICCએ પ્રવેશ અને વીડિયો રેકોર્ડિંગ (ઓડિયો વિના)ની મંજૂરી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ PMOA નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું અને વિસ્તારની પવિત્રતાનું ઉલ્લંઘન હતું.
પાકિસ્તાને મીટિંગનો એક વીડિયો જાહેર કરી દીધો અને દાવો કર્યો કે મેચ રેફરી પાયક્રોફ્ટે પાકિસ્તાનની માફી માગી. જો કે, સૂત્રોનું કહેવું છે કે પાયક્રોફ્ટે માત્ર ‘ગેરસમજ માટે દિલગીરી’ વ્યક્ત કરી હતી અને ઔપચારિક રીતે માફી માગી નહોતી. ત્યારબાદ PCBના અન્ય મીડિયા મેનેજર, વસીમને PMOAમાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જ્યાં ફિલ્માંકન પૂરી રીતે પ્રતિબંધિત છે. ICC હવે આખી ઘટનાને ગંભીર ઉલ્લંઘન માનતા કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp