બ્લેક લાઇવ્સ મેટર ચળવળ પછીનો સૌથી મોટો બળવો, ટ્રમ્પ સામે હજારો અમેરિકન લોકો કેમ રસ્તા પર ઉતર્યા?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. માત્ર અન્ય દેશોના લોકો જ નહીં, પરંતુ હવે અમેરિકાના નાગરિકો અને નેતાઓ પણ ટ્રમ્પની વિરુદ્ધ થઈ રહ્યા છે. અમેરિકાના 50 રાજ્યોમાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરી રહ્યા છે અને 'ટ્રમ્પ-મસ્ક ગો બેક'ના નારા લગાવી રહ્યા છે.
ટેરિફના કારણે છટણી, અર્થવ્યવસ્થા અને માનવ અધિકારના મુદ્દે ટ્રમ્પનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે થોડા સમય અગાઉ અમેરિકન જનતા ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની ઉજવણી કરી રહી હતી, ત્યારે હવે નાગરિક અધિકાર જૂથો, મજૂર સંગઠનો, LGBTQ અને મહિલા અધિકાર જૂથો રસ્તાઓ પર ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે.
શનિવારે 1200થી વધુ જગ્યાએ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થયા હતા. આ દરમિયાન હજારો લોકો રસ્તા પર જોવા મળ્યા. 'હેન્ડ્સ ઑફ' વિરોધ પ્રદર્શન 5 એપ્રિલથી શરૂ થયું હતું. આ વિરોધ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ વિરુદ્ધ હતો. આ પ્રદર્શન ખાસ કરીને ટ્રમ્પની છટણી અને સામૂહિક દેશનિકાલની નીતિ વિરુદ્ધ હતું. વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલથી લઈને મેનહટન અને બોસ્ટન સુધી પ્રદર્શનકારીઓએ શનિવારે ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ સતત સૂત્રોચ્ચાર કરતા કહી રહ્યા હતા કે, “ફાઈટ ધ ઓલિગાર્કી.”
ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન રવિવારે પણ ચાલુ રહ્યું હતું. રવિવારે પ્રદર્શનકારીઓ દ્વારા 1400થી વધુ રેલીઓ કાઢવામાં આવી હતી. રવિવારના વિરોધને હેન્ડ્સ-ઓન નામ આપવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હેન્ડ ઓન એટલે આપણા અધિકારોથી દૂર રહો.
ટ્રમ્પના વિરોધમાં દેશભરમાં રસ્તાઓ પર દેખાવો કરી રહેલા લોકોએ મોઢા પર પ્રતિકાત્મક પટ્ટી બાંધી હતી. તે બધા ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના અવતારમાં જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ટ્રમ્પનું શાસન દેશને ખતરનાક દિશામાં લઈ જઈ રહ્યું છે. ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ પ્રદર્શન 2020ના બ્લેક લાઇવ્સ મેટર આંદોલન બાદ ટ્રમ્પ વિરુદ્ધનું સૌથી મોટું પ્રદર્શન છે.
નારાજ અમેરિકનો માને છે કે ટ્રમ્પ જે કંઈ પણ કરી રહ્યા છે તે અમેરિકાના ફાયદા માટે ઓછું, પરંતુ રશિયાના ફાયદા માટે વધુ છે. તેમનું કહેવું છે કે અમારા રાષ્ટ્રપતિ અન્ય લોકોના હિત માટે કામ કરી રહ્યા છે. આ ટેરિફ આપણા દેશને બરબાદ કરવાનું સાધન છે. ટેરિફના ગણિતની વાત કરીએ તો અમેરિકાએ અન્ય દેશો પર ટેરિફ લાદ્યો છે, એટલે કે તે દેશોએ અમેરિકામાં માલ વેચવા બદલ સરકારને ટેક્સ ચૂકવવો પડશે. તેની ભરપાઈ કરવા માટે અમેરિકામાં વિદેશી કંપનીઓનો સામાન મોંઘો થશે. જેની સીધી અસર અમેરિકન મિડલ ક્લાસ પર પડશે. તેમનું બજેટ બગડશે. અમેરિકનો માટે એક મોટી ચિંતા એ છે કે તેમનો દેશ વિશ્વમાં સૌથી વધુ માલ આયાત કરે છે. તેનો અર્થ એ કે તેઓ તેમની નાની જરૂરિયાતો માટે મોટાભાગે અન્ય દેશો પર નિર્ભર છે. ખાદ્યપદાર્થોથી લઈને પ્લાસ્ટિક, વાહનો, દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ધાતુઓ… આ બધી વસ્તુઓ વિદેશમાંથી આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp