ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લગાવ્યો 25% એક્સ્ટ્રા ટેરિફ તો પુતિને ભારતને આપી દીધી જોરદાર ઓફર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 25%નો વધારાનો ટેરિફ લગાવી છે. જોકે, ભારત તેની જરૂરિયાત મુજબ રશિયા પાસેથી સતત તેલ ખરીદી રહ્યું છે. આ દરમિયાન, રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે અને ભારતને તેલ ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે.
ભારતમાં રશિયાના ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ, એવજેની ગ્રીવાએ કહ્યું કે, ‘ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ મળશે, જેનો નિર્ણય વાટાઘાટોના આધારે લેવામાં આવશે.’ ગ્રીવાએ વધુમાં કહ્યું કે રાજકીય પરિસ્થિતિ હોવા છતા ભારત લગભગ એજ સ્તરનું તેલ આયાત કરતો રહેશે. તેમણે એમ પણ કહ્યું કે આ ડિસ્કાઉન્ટ એક કોમર્શિયલ સિક્રેટ છે. સામાન્ય રીતે તે વેપારીઓ વચ્ચેની વાતચીત પર આધારિત હોય છે અને લગભગ 5%ની આસપાસ રહે છે.
રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશકિને પણ ગ્રીવા સાથે એક નિવેદન આપ્યું હતું . તેમણે કહ્યું કે, ‘પરિસ્થિતિ પડકારજનક છે, પરંતુ અમારા સંબંધો પર ભરોસો છે. અમને ખાતરી છે કે બાહ્ય દબાણ છતા ભારત-રશિયા ઊર્જા સહયોગ ચાલુ રહેશે.’ અહીં બાહ્ય દ્વારા તેમનો ઈશારો અમેરિકા તરફ હતો.
અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ કહ્યું હતું કે, ‘ભારત રશિયાના તેલનું વૈશ્વિક ક્લિયરિંગહાઉસ તરીકે કામ કરે છે, પ્રતિબંધિત ક્રૂડ ઓઇલને ઉચ્ચ મૂલ્યના નિકાસમાં રૂપાંતરિત કરે છે અને મોસ્કોને ડોલર પૂરા પાડે છે.’
ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ BRICS દેશોને ધમકી આપી રહ્યા છે. તેમણે રશિયાને ધમકી આપતા કહ્યું હતું કે, જો યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મોસ્કો પર પણ પ્રતિબંધો લગાવશે. જે દેશો તેનું તેલ ખરીદે છે તેમના પર પણ પ્રતિબંધો લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે ચીન અને ભારત રશિયાના તેલના સૌથી મોટા ખરીદદાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp