ટ્રમ્પની પોલિસીને કારણે અમેરિકા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા ઘટી; જાણો કારણ
US Faces 70-80 percebr Drop In Indian Students As Visa Crisis Deepens: ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળી ત્યારથી અમેરિકામાં ઇમિગ્રેશન અને વિઝા સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. અમેરિકા જવા માગતા ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે અને તેનાથી ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતા અને આશ્ચર્ય બંને વધી ગયા છે.
ગયા વર્ષે, ભારતમાંથી 3.3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. પરંતુ હવે આ આંકડામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 70-80 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. તેનું સૌથી મોટું કારણ વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ અને વિઝા રિજેક્શન છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, હૈદરાબાદ ઓવરસીઝ કન્સલ્ટન્ટના સંજીવ રાયે જણાવ્યું હતું કે આ પાછલા વર્ષોમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે. સ્લોટ ખુલવાની આશામાં વિદ્યાર્થીઓ દરરોજ પોર્ટલને રિફ્રેશ કરી રહ્યા છે. સામાન્ય રીતે આ સમય સુધીમાં, વિદ્યાર્થીઓ વિઝા ઇન્ટરવ્યૂ પૂર્ણ કર્યા બાદ જવાની તૈયારી કરી રહ્યા હોય છે.
અમેરિકન દૂતાવાસ તરફથી વિઝા એપોઇન્ટમેન્ટ અને પ્રક્રિયાઓમાં આવી રહેલી સમસ્યાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ વળ્યા છે. વિન્ડો ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીના અંકિત જૈને જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમણે સ્લોટ બુક કરાવ્યા છે પરંતુ તેમને કન્ફર્મેશન મળ્યું નથી.
I20 ફીવર કન્સલ્ટન્સીના અરવિંદ મંડુવાના જણાવ્યા મુજબ, આ વર્ષે અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 80 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમણે વિઝા ઇન્ટરવ્યુ પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે, પરંતુ હવે તે રિજેક્ટ થઈ રહ્યા છે. મોટાભાગના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આ પાછળનું કારણ 214B છે.
અમેરિકન ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 214 (b) વિઝાને રિજેક્ટ કરવાનું એક સામાન્ય કારણ છે. જ્યારે અરજદાર એ સાબિત કરવામાં અસમર્થ હોય છે કે તે યાત્રા બાદ પોતાના દેશમાં પાછો ફરશે ત્યારે તેને વિઝા રિજેક્ટનો આધાર બનાવવામાં આવે છે. હૈદરાબાદમાં અમેરિકન કોન્સ્યુલેટ જનરલે કહ્યું છે કે અરજદારોની ચકાસણી જરૂરી છે જેથી ખાતરી થાય કે તેમનો ઇરાદો અમેરિકા અથવા અમારા હિતોને નુકસાન પહોંચાડવાનો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp