અમેરિકાએ ભારતને આપ્યો વધુ એક મોટો ઝટકો! ચાબહાર પોર્ટ પર છૂટ ખતમ કરી; જાણો તેનાથી શું અસર થશે
અમેરિકાએ ઇરાનના વ્યૂહાત્મક ચાબહાર બંદર માટે વર્ષ 2018માં આપવામાં આવેલી પ્રતિબંધમાંથી મુક્તિને રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 29 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે અને તેને વોશિંગ્ટનની ‘મહત્તમ દબાણ’ ઝુંબેશની વ્યૂહરચનાના ભાગ તરીકે બતાવાવમાં આવ્યું છે. આ મુક્તિથી ભારત અને અન્ય દેશોને ચાબહારમાં સંચાલન કરવાની મંજૂરી આપતી હતી, જેથી તેઓ અમેરિકન પ્રતિબંધોની જડમાં આવતા નહોતા. જોકે, તેના રદ થવાથી ભારતની વ્યૂહાત્મક અને આર્થિક યોજનાઓ પર નોંધપાત્ર અસર પડી શકે છે.
ભારતે મે 2024માં ઇરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL)એ શાહિદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન સંભાળ્યું હતી. આ પહેલી વાર હતું જ્યારે ભારતે વિદેશી બંદરનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. આ અગાઉ, 2016ના કરારનું વાર્ષિક ધોરણે નવીકરણ કરવામાં આવતું હતું.
ચાબહાર બંદર ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરતાં અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને સીધો વેપાર માર્ગ પૂરો પાડે છે. ભારતે 2003માં આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર દ્વારા પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ભારતે આ બંદર દ્વારા ઘણી વખત વ્યૂહાત્મક પુરવઠો પણ પહોંચાડ્યો છે. 2023માં, 20,000 ટન ઘઉંની મદદ અફઘાનિસ્તાન મોકલવામાં આવી હતી અને 2021માં આ માર્ગ દ્વારા ઈરાનને પર્યાવરણને અનુકૂળ જંતુનાશકો પહોંચાડવામાં આવ્યા હતા.
અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું હતું કે આ પગલું ઈરાની શાસન અને તેની લશ્કરી ગતિવિધિઓને ગેરકાયદેસર નાણાકીય સહાયને વિક્ષેપિત કરવા માટે લેવામાં આવ્યું છે. જો કે, તેનાથી ભારત માટે પડકાર ઉભો થયો છે કે જો કંપનીઓ ચાબહાર બંદર સંબંધિત ગતિવિધિઓમાં જોડાય છે, તો તેઓ અમેરિકન પ્રતિબંધોને પાત્ર થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp