વલસાડના નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે : સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

વલસાડના નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે : સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

06/23/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વલસાડના નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે : સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

વલસાડ: વલસાડ જિલ્લાના નારગોલ ખાતેના બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પોર્ટને પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે, જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે.

નારગોલ ગ્રિનફિલ્ડ પોર્ટમાં પ્રથમ તબક્કામાં રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટીફંકશનલ પોર્ટ તરીકે કાર્યરત થશે અને સોલીડ, લિક્વિડ તેમજ કન્ટેઇનર કાર્ગો હેન્ડલિંગ માટે સક્ષમ બનશે. આ પ્રથમ તબક્કામાં અંદાજે ૪૦ મિલીયન ટન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા આ પોર્ટ પર વિકસાવવાનું આયોજન છે.

નારગોલ પોર્ટ(બંદર) દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર (DMIC) અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર-ડી.એફ.આઇ.સી. ના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે તેનો લાભ પણ લાંબાગાળે આ ગ્રીનફિલ્ડ પોર્ટને મળશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના કેચમેન્ટ વિસ્તારનો ૩૮ ટકા ગુજરાતમાં આવે છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર DMICથી રાજ્યનો ૬ર ટકા વિસ્તાર લાભાન્વિત થવાનો છે ત્યારે આ ગ્રીનફિલ્ડ પોર્ટની સુવિધાઓનો વિકાસ થતાં આ પ્રોજેકટસના પરિણામે ઉભી થનારી કાર્ગો પરિવહન સંભાવનાઓ અને બંદર કાર્ગો પરિવહનની વધારાની માંગ સંતોષી શકાશે.જેના પરિણામે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હાલનો ૪૦ ટકાનો શેર છે તેમાં પણ વધારો થશે.

કેમિકલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલા છે તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને સુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત-નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઉભી થશે.

વર્ષ ૨૦૨૫ સુધીમાં મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટની કન્ટેઈનર હેન્ડલિંગ કેપેસિટીનો પૂર્ણ ઉપયોગ થઈ જવાની સંભાવના છે, પરિણામે આ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોની દરિયાઈ વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે તેમ સરકારે જણાવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top