‘કાળો જાદુ’ ચાલ્યો, કે આખી ટીમ જ શ્રાપિત હતી? : મેચમાં એવું બન્યું કે આખી ટીમ મોતને ભેટી...!

‘કાળો જાદુ’ ચાલ્યો, કે આખી ટીમ જ શ્રાપિત હતી? : મેચમાં એવું બન્યું કે આખી ટીમ મોતને ભેટી...!

10/27/2020 Magazine

ભૂમિધા પારેખ
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર

‘કાળો જાદુ’ ચાલ્યો, કે આખી ટીમ જ શ્રાપિત હતી? : મેચમાં એવું બન્યું કે આખી ટીમ મોતને ભેટી...!

ગત સપ્તાહે આ સ્થળેથી એક એવી યુવતીની વાત કરેલી જે આકાશમાંથી સીધી એમેઝોનના જંગલમાં આવી પડી, તેમ છતાં નસીબજોગે બચી ગઈ. આ નસીબ બહુ જબરી ચીજ છે. એ ક્યારેક બચાવી લે, અને ક્યારેક નજીવા કારણોસર ભોગ લઇ લે!

આજે ‘અચરજ એક્સપ્રેસ’માં એક એવો કિસ્સો શેર કરવો છે, જેને પૂરેપૂરો ‘નસીબની બલિહારી’ ગણી શકાય. શું તમે એવી કલ્પના કરી શકો કે બે ટીમની વચ્ચે આઈપીએલની રસાકસીભરી મેચ ચાલતી હોય, સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય, અને એકાએક મેદાન પર રમી રહેલા ખેલાડીઓ ટપોટપ મરવા માંડે! અને આ સીલસીલો એવો ચાલે કે આખી એક ટીમ મૃત્યુના ખપ્પરમાં હોમાઈ જાય! આ ઘટનાને શું કહેશો? ચાલો આજે એવી જ એક વિચિત્ર ઘટના વિશે જણાઉં જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે.


આ ઘટના છે આફ્રિકામાં શરૂ થયેલા બીજા સિવિલ વોર સમયની. પ્રથમ સિવિલ વોર 1996-'97ના અંતે 30 વર્ષથી સત્તા પર રહેલા ઝેરીયન પ્રેસિડેન્ટ મોબુતુ સેસે સેકોને સત્તા પરથી હટાવી વિદ્રોહી લૉરેન્ટ ડિઝાયર કબીલા સત્તા પર આવ્યો. પરંતુ એક જ વર્ષમાં કથળતા અર્થતંત્ર અને બેશુમાર ભ્રષ્ટાચારના કારણે બીજી સિવિલ વોર શરૂ થઈ. આ જ સમયે પ્રોવિન્સ ઓફ કસાઈમાં એક ફૂટબોલ મેચ યોજાઈ. એના પરથી સમજી શકાય કે દેશનો માહોલ અત્યંત કટોકટીભર્યો હોવા છતાં લોકોને ફૂટબોલની રમત પ્રત્યે કેટલી ચાહના હતી.


એ દિવસ હતો 26 ઓક્ટોબર, 1998. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ટીમ બૅન શાડી અને ટીમ બસંગા વચ્ચે ફૂટબોલની મેચ હતી. સવારે વરસાદ પડવાથી પ્લેગ્રાઉન્ડ થોડું ભેજ વાળું હતું. બપોરે 2 વાગ્યે મેચ શરૂ થઈ. બંને ટીમના ચાહકોથી સ્ટેડિયમ ભરાયેલું હતું. તેઓ પોતાની માનીતી ટીમને પ્રોત્સાહિત કરી સતત ખેલાડીઓને ઉત્સાહ વધારી રહ્યા હતા. રસાકસીની મેચ હતી. બંને ટીમે વારાફરતી એક-એક ગોલ કરી દીધો હતો. ફૂટબોલ પર પડતી દરેક કીક સાથે સ્ટેડિયમમાં હાજર પ્રેકક્ષકોના શ્વાસ અધ્ધર થતા હતા. બોલ હવે બૅન શાડીના પ્લેયર પાસે હતો.


ખેલાડીએ જોરથી બોલને કીક મારી એ જ સમયે આકાશમાં મોટો કડાકો થયો. અને બીજી જ ક્ષણે પેલો ખેલાડી માથા પર હાથ દબાવી ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો. ત્યાં હાજર કોઈ કંઈ સમજે એ પહેલાં જ બૅન શાડી ટીમના 11 ખેલાડીઓ, જે ગ્રાઉન્ડ પર હાજર હતા; તેઓ એક પછી એક ગ્રાઉન્ડ પર પડી ગયા.

ખેલાડીઓની આવી હાલત જોઈ, તાત્કાલિક મેચ અટકાવી દેવામાં આવી. ત્યાં હાજર મેડિકલ ટીમ તુરંત એ ખેલાડીઓને સારવાર આપવામાં પરોવાઈ. દરેક ખેલાડી પોતાનું માથું પકડીને ગ્રાઉન્ડ પર લગભગ નિશ્ચેત હાલતમાં પડ્યો હતો! એમની સામેની ટીમ બસંગાના ખેલાડીઓ પણ પોતાના પ્રતિસ્પર્ધીઓની આવી હાલત જોઈ ડઘાઈ ગયા હતા! થોડી વાર પહેલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જે રસાકસી હતી, એનું સ્થાન ચિંતાએ અને પ્રાર્થનાઓએ લઇ લીધું. મેદાન પર કર્મચારીઓ અને બન્ને ટીમ્સના તબીબો-સહાયકોનું મોટું ટોળું ભેગું થઇ ગયું. તાત્કાલિક બધાને પ્રાથમિક સારવાર આપવામાં આવી. પણ એનાથી કશો ફેર પડી રહ્યો નહોતો. બૅન શાડીના ખેલાડીઓ એક પછી એક શિથિલ થઇ રહ્યા હતા! થોડી જ મિનીટ્સમાં ઇતિહાસે ક્યારેય ન જોઈ હોય એવી ગંભીરતા ખેલના મેદાનમાં પથરાઈ ગઈ!


પ્રાથમિક ઉપચારો સદંતર નિષ્ફળ ગયા. બૅન શાડીના તમામ ખેલાડીઓને નજીકના મેડિકલ સેન્ટર પર લઈ જવામાં આવ્યા. ડોક્ટર્સે બહુ કોશિષ કરી, પણ એક પછી એક ખેલાડીઓ મૃત્યુ પામવા માંડ્યા! બે દિવસની અન્ડર અગિયાર ખેલાડીઓની આખી ટીમ મૃત્યુ પામી! એ અગિયાર નવયુવાન ખેલાડીઓ પૈકી મોટાભાગના દારુણ ગરીબીનો સામનો કરી હયા હતા. પોતાના ફૂટબોલ રમવાના શોખને પોતાની જિંદગીનો ધ્યેય બનાવી રમતના એ મેદાનમાં પ્રવેશ્યા હશે. કદાચ ફૂટબોલની રમત એમને માટે ભવિષ્યમાં જીવાદોરી બનવાની હતી. એ બાવીસ યુવાન આંખોએ કેટકેટલા સપના જોયા હશે! પોતાના પરિવાર માટે, પોતાના દેશ માટે રમવાનું એમનું ઝનૂન જ એમને પછાડી ગયું. ફૂટબોલ ગ્રાઉન્ડ જ એમના મોતનું કારણ બન્યું. બધા ખેલાડીઓ 20 થી 35 વર્ષની ઉંમરના હતા. ખેલ જગત માટે આ ઘણી જ આઘાતજનક ઘટના હતી.


મોત શા માટે માત્ર એક જ ટીમના ખેલાડીઓ પર ત્રાટક્યું?

મોત શા માટે માત્ર એક જ ટીમના ખેલાડીઓ પર ત્રાટક્યું?

આ વિચિત્ર ઘટના પાછળના કારણો વિશે કોંગોમાં અનેક અફવાઓ ઉડી. આખરે એવું તે શું થયું, જેને કારણે અગિયાર જણનો ભોગ લેવાઈ ગયો? આકાશમાં જે કડાકો થયેલો, એ વીજળીનો હતો. જો વીજળી પડવાથી ખેલાડીઓને અંતરીક ઇજાઓ પહોંચી હોય અને તેમના મૃત્યુ થયા હોય, તો એ દુર્ઘટનામાં મેદાન પર હાજર બન્ને ટીમના મેમ્બર્સને મોત આંબી જવું જોઈતું હતું. પરંતુ અહીં તો માત્ર એક જ ટીમના મેમ્બર્સ મર્યા! એવું તો કયું કારણ હોય, જેનાથી ખુલ્લા મેદાનમાં રમતા ખેલાડીઓ પૈકી માત્ર એક જ ટીમના ખેલાડીઓના મૃત્યુ થયા?!


શું કોઈએ ‘કાળો જાદુ’ કરેલો? કે પછી બૅન શાડીની આખી ટીમ જ શ્રાપિત હતી?!

શું કોઈએ ‘કાળો જાદુ’ કરેલો? કે પછી બૅન શાડીની આખી ટીમ જ શ્રાપિત હતી?!

આફ્રિકન પ્રશાસને આ ઘટના વિશે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર નથી પાડ્યું, કે કયા કારણથી એકસાથે એક જ ટીમના 11 ખેલાડીઓના મૃત્યુ થયા. એ દેશમાં બીજી સિવિલ વોર ચાલી રહી હતી. અને સત્તાધીશોને સ્વાભાવિક રીતે જ ખેલાડીઓના અપમૃત્યુમાં એટલો રસ નહોતો, જેટલો પોતાની સત્તા બચાવવામાં હતો! આથી આ ઘટનામાં ઊંડા ઉતરવા જેટલો સમય તત્કાલીન સત્તાવાલોને મળ્યો જ નહિ! પરંતુ એ સમયે દુનિયાભરના ફૂટબોલના ચાહકો માટે આ ઘટના ભયાનક આઘાત આપનાર હતી.

અચરજની વાત એ છે કે બૅન શાડીની સામે ગ્રાઉન્ડ પર બસંગા ટીમ હતી, એના તમામ ખેલાડીઓ આ દુર્ઘટનામાં સહીસલામત કેમ રહ્યા? ચાલો એનું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ. એ મેચ દરમિયાન એ વિસ્તારમાં એક જોરદાર વીજળીનો કડાકો થયો હતો. ચોમાસામાં આવી વીજળી પડવાની ઘટનાઓ સામાન્ય હોય છે.

એક સર્વસામાન્ય નિયમ જોઈએ તો, વાદળોમાં સર્જાતા ઋણ અને ધન વિદ્યુતભારને કારણે વીજળી પેદા થાય છે. આકાશમાં કોઈ પ્રકારનું વાહક નહીં હોવાને કારણે વીજળીનો પ્રવાહ પૃથ્વી પર પહોંચે છે. પૃથ્વીની સપાટી ધન વીજભારીત હોય છે. વીજ પરિપથ બે વાદળો વચ્ચે, વાદળોની અંદર જ અથવા ધરતી અને વાદળોની વચ્ચે પૂર્ણ થાય છે. એ મુજબ વીજળીનું વર્ગીકરણ કરી શકાય છે. જ્યારે વાદળ અને ધરતીની વચ્ચે કોઈ સજીવ વાહક આવી જાય, ત્યારે એ વાહકને વીજ કરંટનો અનુભવ થાય છે. કરંટની તીવ્રતા પ્રમાણે સજીવના શરીરને અસર થાય છે. તીવ્ર કરંટથી મૃત્યુ પણ થઈ શકે છે.

આ દુર્ઘટનામાં પણ આવી જ પરિસ્થિતિ નિર્માણ થઈ. વરસાદને કારણે પ્લેગ્રાઉન્ડની જમીન ભેજવાળી હતી. એ વિસ્તારમાં અચાનક વીજળી પડી. એ જ સમયે વીજળીના પ્રવાહે ત્યાં હાજર ખેલાડીઓમાંથી પણ પસાર થવાનો પ્રયત્ન કર્યો. ખેલાડીઓમાં રહેલા ધન વીજભારને કારણે ટીમ બૅન શાડીના ખેલાડીઓને શૉક લાગ્યો અને થોડા સમયમાં જ એમનું મૃત્યુ થયું.


...તો ટીમ બસંગા કઈ રીતે બચી ગઈ?

...તો ટીમ બસંગા કઈ રીતે બચી ગઈ?

બસંગા ટીમ માટે એવું કહેવાય છે કે એક લોકલ કંપની દ્વારા બસંગા ટીમના ખેલાડીઓને રબરના તળિયાવાળા શૂઝ આપવામાં આવ્યા હતા. રબરને કારણે વીજળીનો પ્રવાહ એ ખેલાડીઓમાંથી પસાર નહીં થઈ શક્યો. જેને કારણે બસંગા ખેલાડીઓને વીજળીની કોઈ અસર નહીં થઈ. ફરીથી કહું છું, આ બધા કારણો માટે પ્રશાસને કોઈ જ સ્ટેટમેન્ટ નથી આપ્યું. પરંતુ ત્યાં હાજર લોકોએ જોયેલી સમગ્ર ઘટના પરથી આ તારણ તારવવામાં આવ્યું છે. એ જ સમયે ગ્રાઉન્ડ પર હાજર બસંગા ટીમ સહિતના બીજા 30 લોકોને વીજળીના ઝટકાની આંશિક અસર તો થઈ જ હતી, પરંતુ એ જીવલેણ નહોતી. કરણ શૂઝમાં લાગેલા રબરના તળિયા!

તો વાત બધી આમ હતી. આમ તો આ ઘટના પાછળ ઘણી થિયરીઝ ચાલે છે, પરંતુ રબરના સોલ વાળી વાત વૈજ્ઞાનિક ઢબે સાચી અને લગભગ સર્વસ્વીકૃત ગણવામાં આવે છે.

કદાચ ‘શ્રાપિત’ તરીકે વગોવાઈ ગયેલી ટીમ બૅન શાડીના એ કમભાગી ખેલાડીઓનો સૌથી મોટો ગુનો એમની ગરીબી હતી! જો તેઓ સારી ગુણવત્તા ધરાવતા રબરના સોલવાળા શૂઝ ખરીદી શક્યા હોત, તો આજે જીવતા હોત! નસીબમાં ઘણું બધું આ જો... તો પર જ તો અટકેલું છે! ખરું ને?!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top