મહારાષ્ટ્રમાં ફડણવીસની તાજપોશી થશે કે પછી ભાજપ ચોંકાવશે? અમિત શાહ કરશે મંથન
Maharashtra New CM: આજે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આવ્યા તેના 5 દિવસ બાદ મહાયુતિના દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર દિલ્હીમાં અમિત શાહને મળશે. શિંદે મુખ્યમંત્રીની રેસમાંથી ખસી ગયા બાદ હવે કોને મુખ્યમંત્રી બનાવવા તે મુંઝવણ છે. જો ભાજપ ફડણવીસને મુખ્યમંત્રી બનાવે તો તેમને મરાઠા વોટબેંક ખસી જવાનો ડર સતાવી રહ્યો છે. એવામાં દિલ્હીથી મુંબઈ સુધી બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. બુધવારે પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં લગભગ અડધો કલાક બેઠક થઈ હતી. બેઠકમાં ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની અસર પર ચર્ચા કરવામાં આવી હતી.
વિનોદ તાવડે સાથેની બેઠક અગાઉ શાહે શિવસેના અને NCPના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો કરી તેના નફા અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની તાજપોશીને લઈને આજે દિલ્હીમાં અમિત શાહના ઘરે એક બેઠક યોજાવાની છે. જેમાં ફડણવીસ, શિંદે અને અજીત પવાર સામેલ થશે. આ બેઠક અગાઉ બુધવારે શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી. મોદી-શાહનો નિર્ણય સમગ્ર શિવસેના સ્વીકારશે. શિંદેની પ્રેસ કોન્ફરન્સ બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહાયુતિમાં કોઈ વાત પર કોઈ વિવાદ નથી, બધા નિર્ણયો સાથે બેસીને લેવામાં આવ્યા છે.
શિવસેનાના નેતા દીપક કેસરકરે કહ્યું કે, એકનાથ શિંદેએ ક્યારેય નાયબ મુખ્યમંત્રી પદ માટે ના નથી પાડી. બહારના લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. આ અગાઉ શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે એકનાથ શિંદે ક્યારેય નાયબ મુખ્યમંત્રી પદ નહીં સ્વીકારે. ચૂંટણી એકનાથ શિંદેના નામે લડવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભાજપે 132 સીટો જીતી છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 57 અને અજીત પવારની NCPએ 41 બેઠકો જીતી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp