ગુગલની કમાલ : એવો એન્ડ્રોઈડ ફોન બનાવશે જે ભૂકંપની આગોતરી ચેતવણી આપે!
નવી દિલ્હી : ભૂકંપ એક એવી કુદરતી આફત છે, જેની આગોતરી માહિતી નથી મેળવી શકાતી. આથી અચાનક મોટો ભૂકંપ આવે તો જાણ-માલનું પારાવાર નુકસાન થવાનો ભય હોય છે. પરંતુ ગુગલ હમણાં એક સુવિધા ચાલુ કરવા જઈ રહ્યું છે, જે તમને ભૂકંપની આગોતરી જાણ કરી શકશે.
મોટું વાવાઝોડું, ભારે વરસાદ કે ત્સુનામી આવવાનું હોય ત્યારે તંત્ર આગોતરી સૂચના આપીને લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કાર્ય આરંભી દેતું હોય છે. પરંતુ ભૂકંપમાં એટલી સચોટ આગાહી કરવાનું લગભગ અશક્ય ગણાય છે. પરંતુ ટેકનોલોજીના વિકાસને કારણે હવે એવી શક્યતા ઉભી થઇ છે કે તમારો સ્માર્ટ ફોન જ તમને ભૂકંપની આગોતરી માહિતી આપી દેશે.
ગયા મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયામાં અર્થક્વેક એલર્ટ સિસ્ટમ શરુ કરી છે. કંપનીના કહેવા મુજબ તમારો એન્ડ્રોઈડસ્માર્ટફોન કમ્પ્રેશર ડિટેક્ટર તરીકે કામ કરી શકે છે. આ માટે ગુગલે અમેરિકાની સરકારી સંસ્થા યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે (USGS) તેમજ કેલિફોર્નિયાની ગવર્નર ઓફિસ ઓફ ઇમરજન્સી સર્વિસ (Cal OES) સાથે જોડાણ કર્યું છે. જેથી કરીને કેલિફોર્નિયા રાજ્યમાં ઇન્સ્ટોલ થયેલા ૭૦૦ થી વધુ સિસ્મોમિટર દ્વારા મળતા સંકેતો મેળવી શકાય અને એનું પૃથક્કરણ કરી શકાય. સિસ્મોમીત્રમાં ભૂકંપ શરુ થવા પહેલાનું કંપન નોંધાય કે તરત જ અર્થ્ક્વેકનો મેસેજ ઓટોમેટીકલી ટ્રીગર થઇ જશે!
એન્ડ્રોઇડના મુખ્ય સોફ્ટવેર એન્જીનિયર માર્ક સ્ટેગાઈટીસે એક બ્લોગ પોસ્ટમાં આધિકારિક રીતે એવું નિવેદન કર્યું છે કે ગુગલ કંપની અર્થક્વેક સિગ્નલ્સ મોકલવા માટે એન્ડ્રોઈડનો ઉપયોગ કરવાનો મોકો તપાસી રહી છે. જેથી એન્ડ્રોઈડ નેટવર્કની મદદથી વધુને વધુ લોકો સુધી આવનારા ભૂકંપની ચેતવણી પહોંચાડી શકાય. ગુગલ એવું વિચારી રહ્યું છે કે ભવિષ્યમાં એન્ડ્રોઈડ ફોન પોતે જ મિની સિસ્મોમીટર તરીકે કામ કરે. જેથી દુનિયાભરમાં ફેલાયેલા કરોડો એન્ડ્રોઈડ યુઝર વચ્ચે ભૂકંપની આગોતરી જાણ આપતું નેટવર્ક વિકસાવી શકાય.
આપણે ભારતની વાત કરીએ તો ભૂકંપક્ષેત્રની તીવ્રતાને આધારે ભારતને ઝોન-૨, ઝોન-૩, ઝોન-૪ અને ઝોન-૫ વચ્ચે વહેંચવામાં આવ્યું છે. ઝોન-૨માં આવતા પ્રદેશોમાં ભૂકંપનો ખતરો સૌથી ઓછો હોય છે, જ્યારે ઝોન-૫ વિસ્તારો પૃથ્વીના પેટાળમાં રહેલી ફોલ્ટલાઈનની નજીક હોવાથી અહીં ભૂકંપનો મહત્તમ ખતરો હોય છે.
દ.ભારતનો મોટા ભાગનો પ્રદેશ ઝોન-૨ માં આવે છે. મધ્ય ભારત ઝોન-૩મ ગણાય છે. જ્યારે ઝોન-૪માં જમ્મુ-કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરેનો સમાવેશ થાય છે. સૌથ જોખમી ગણાતા ઝોન-૫માં આપણા કચ્છના રણ સમેત હિમાલયના કેટલાક વિસ્તારો, આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ વગેરેનો સમાવેશ થાય છે.
આશા રાખીએ કે ગુગલ અને એન્ડ્રોઈડના સહયોગથી ભૂકંપની આગોતરી જાણ આપટી ટેકનોલોજી ઝડપથી આપણા હાથમાં રમતી થઇ જય, જેથી ભવિષ્યમાં ભૂકંપને કારણે કોઈ જાનહાની ન વેઠવી પડે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp