ગુજરાતની મનરેગા યોજનામાં 22 લાખ નકલી મજૂરો હોવાનો ઘટસ્ફોટ, મોટા કૌભાંડની આશંકા, જાણો સમગ્ર મામલો
વિકાસના મોડેલ ગણાતા ગુજરાતની મનરેગા યોજનામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવતાં સરકારની આબરુનું ધોવાણ થયું છે. ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ નકલી મજૂરો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં મનરેગા યોજના થકી ગરીબ આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાનો દેખાડો કરી, ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવી દેવાય છે. આ મુદ્દે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વ્યાપકપણે ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા છે.
મનરેગા યોજનાનો મૂળ હેતુ રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં તળાવો ઊંડા કરવાથી માંડીને અન્ય કામો દ્વારા ગરીબોને રોજગાર આપવાનો રહ્યો છે. પણ આ યોજના મળતિયા, એજન્ટો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કમાણીની યોજના બની રહી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલાં રિપોર્ટમાં ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતીને ઉજાગર કરી છે. માહિતી મુજબ આ નકલી મજૂરોનો સિલસીલો છેક પાંચ વર્ષથી યથાવત રહ્યો છે.
વર્ષ 2019-20માં મનરેગા યોજનામાંથી 1,54,654 મજૂરોના નામ રદ કરાયાં હતાં. જ્યારે વર્ષ 2023-24માં આ સંખ્યા વધીને 9,75,944 સુધી પહોંચી ગઇ છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે, ક્યા આધારે મનરેગામાં મજૂર તરીકે નોંધણી થઈ અને કેટલાં સમય સુધી આ મજૂરને રકમ ચૂકવાઈ છે? જ્યારે મજૂરની વ્યાખ્યામાં આવતાં ન હોય તેવી વ્યક્તિને મનરેગા યોજનામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, ત્યારે કયા દસ્તાવેજ આધારે મજૂર તરીકે કામ આપવામાં આવ્યુ તે તપાસનો વિષય છે.
આ ઉપરાંત મનરેગા માટે જોબકાર્ડ પણ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ જોતાં છેલ્લાં પાંચેક વર્ષમાં જ 7,49,973 જોબકાર્ડ કેન્સલ કરી દેવાયાં છે. આટલી મોટી સંખ્યામાં જોબકાર્ડ કેમ રદ કરી દેવાયાં છે અને 22,68,756 મજૂરોને કેમ મનરેગા યોજનામાંથી દૂર કરાયાં તે મુદ્દે ગુજરાત સરકારે હજુ સુધી ખુલાસો કર્યો નથી. કેન્દ્ર સરકારના રિપોર્ટ આધારે એ વાત સાબિત થઈ છે કે, લાખો મજૂરોને ચોપડે જ દર્શાવી દેવાયાં છે. 100 દિવસ રોજગારી આપવાનો દેખાડો કરવા મળતિયાઓના નામ બારોબાર મજૂરો તરીકે દર્શાવી દેવાયાં હોવાની પણ આશંકા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp