ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી માંગી વાઘણ, ગુજરાતના આ જિલ્લામાં વાઘને વસાવવાની છે યોજના! જાણો
ગુજરાતના ગાઢ જંગલોમાં એ ગર્જના ફરી શરૂ થઈ છે, જે છેલ્લા ત્રણ દાયકાથી સંભળાઈ ન હતી. ગુજરાતના જંગલોમાં 32 વર્ષ પછી એક વાઘ જોવા મળ્યો છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા નવ મહિનાથી 5 વર્ષનો એક વાઘ વસવાટ કરી રહ્યો છે. જે મધ્યપ્રદેશના જંગલોમાંથી આવ્યો છે. વન્યજીવ નિષ્ણાતો આને પ્રાદેશિક કોરિડોર કનેક્ટિવિટી માટે ગર્વની બાબત ગણાવી રહ્યા છે. તેથી ગુજરાત સરકાર આ સ્થળને ગુજરાતના વાઘના નિવાસ સ્થાન તરીકે વિકસાવવાનું આયોજન કરી રહી છે. મધ્યપ્રદેશથી ગુજરાત સુધીનો આ કોરિડોર વાઘ માટે જીવનરેખા બની ગયો છે.
જેના ભાગ રૂપે, રાજ્યના વન વિભાગે કેન્દ્ર સરકારના વન મંત્રાલયને પત્ર લખી વાઘણ પુરી પાડવા વિનંતી કરી છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ફેબ્રુઆરી 2025થી એક નર વાઘ વસવાટ કરી રહ્યો છે. વાઘનો કાયમી વસવાટ શરૂ કરવા માટે જોડી તરીકે વાઘણની જરૂર છે, જેથી તે પોતાનો વંશ વધારી શકે. અને આ માટે મધ્યપ્રદેશમાંથી વાઘણ લાવવાનું પસંદ કરવામાં આવી શકે છે. કારણ કે ભૂમિ અને વાતાવરણ સમાન છે. આનાથી ગુજરાત સિંહ, વાઘ અને ચિત્તા ત્રણેય મોટા પ્રાણીઓનું એકમાત્ર રાજ્ય બનશે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેને "ગર્વની ક્ષણ" ગણાવી. તેમણે કહ્યું, "ગુજરાતના વૈવિધ્યસભર ઇકોસિસ્ટમે ફરી એકવાર વન્યજીવોને ટેકો આપવાની ક્ષમતા સાબિત કરી છે."
વન અધિકારીઓની કેમેરા ટ્રેપ છબીઓ મુજબ આ વાઘ માત્ર ફરતો જ નથી, પરંતુ અહીં જ પોતાનું ઘર બનાવી ચૂક્યો છે. આ 5 વર્ષનો વાઘ મધ્યપ્રદેશના ઝાબુઆ અને કાઠીવાડા સરહદથી આવ્યો હોય તેવું અનુમાન છે. કારણ કે ત્યાં વાઘની સંખ્યા વધી ગઈ છે, તેથી તે નવા પ્રદેશની શોધ કરતી વખતે ગુજરાતમાં પહોંચ્યો હશે. વન ટીમોએ ફિલ્ડ સર્વે અને ફોટો-પ્રૂફ દ્વારા પુષ્ટિ આપી છે.
પરંતુ આનંદની સાથે, ચિંતાની વાત પણ છે. શિકારની ઉપલબ્ધતા અને રહેઠાણ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો આ અપૂરતા હોય, તો આ મહેમાન અન્યત્ર જશે. આ ઘટના સંરક્ષણ માટે એક મોટી જીત છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ વાઘએ કાયમી ઘર સ્થાપિત કર્યું છે. શું આ વાઘ ગુજરાતમાં વાઘની નવી વસ્તી લાવશે? તે તો ફક્ત સમય જ કહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે રતનમહાલના જંગલો હવે વધુ સતર્ક રહેશે. આ શાહી બિલાડી સુરક્ષિત રહે તે માટે વન વિભાગે સુરક્ષા વધારી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp