Maharashtra Politics: મહારાષ્ટ્રમાં કંઇક નવા-જૂની થવાના એંધાણ? અજીત પવાર દિલ્હી પહોંચીને સીધા અમિત શાહને મળ્યા
Ajit Pawar: બીડ જિલ્લામાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકાર પણ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. મહારાષ્ટ્ર પોલીસે હત્યા કેસ સાથે જોડાયેલા ખંડણી કેસમાં વાલ્મિક કરાડની ધરપકડ કરી છે. કરાડ મંત્રી ધનંજય મુંડેનો નજીકનો છે. મુંડેએ પોતે પણ આ વાત સ્વીકારી છે. ભાજપના ધારાસભ્ય સુરેશ ધાસ સતત મુંડેનો ઉલ્લેખ કરી રહ્યા છે. એવામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું મૌન ચર્ચાનો વિષય છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત પવાર કેમ ચૂપ છે? રાજકીય ગલિયારામાં દરેક વ્યક્તિ આ સવાલ પૂછી રહી છે, ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ધનંજય મુંડેના રાજીનામાની માગ જોર પકડી રહી છે.
સંતોષ દેશમુખ હત્યાના કેસની નિષ્પક્ષ તપાસ થાય તે માટે મંત્રી ધનંજય મુંડેના રાજીનામા માટે તમામ પક્ષના નેતાઓ તરફથી દબાણ વધી રહ્યું છે. એટલું જ નહીં, થોડા દિવસો અગાઉ પાર્ટીના બધા નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ધનંજય મુંડેના રાજીનામાની પણ માગ કરી. ત્યારબાદ, ધનંજય મુંડે તરત જ અજીત પવારને મળ્યા હતા. રાજીનામાનું દબાણ વધતા, ધનંજય મુંડે મંત્રાલયના હૉલમાં અજીત પવારને મળ્યા. ત્યારબાદ, એવી ચર્ચા છે કે અજીત પવાર અમિત શાહને મળવા માટે દિલ્હી જવા રવાના થઇ ગયા છે.
અજીત પવારે અમિત શાહ સાથે લગભગ 15 મિનિટ ચર્ચા કરી. પ્રાથમિક માહિતી મુજબ આ બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં થઇ હતી. બીજું કારણ એ છે કે તેઓ સુનેત્રા પવારને આપવામાં આવેલા સરકારી બંગ્લાનું નિરીક્ષણ કરવા દિલ્હી પહોંચ્યા હતા. ધનંજય મુંડેના રાજીનામા પર ચર્ચા થવાની શક્યતા છે. અજીત પવાર સાથે પ્રફુલ પટેલ પણ હાજર હતા.
બીડ કેસમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર જૂથના સાંસદ બજરંગ સોનાવણે સવારે અમિત શાહને મળ્યા હતા. બીડ જિલ્લામાં હત્યા, હુમલા અને અપહરણની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જિલ્લામાં ગુનાખોરી ચરમસીમાએ પહોંચી ગઇ હોવાથી બજરંગ સોનાવણેએ જિલ્લામાં ગુનાખોરી ઘટાડવા માટે એક બેઠક યોજી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp