જેલમાં પહોંચ્યાના 9 કલાક બાદ આસારામની તબિયત લથડી, પોલીસે આરોગ્યમ હૉસ્પિટલમાં દાખલ કર્યો
જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યાના લગભગ 9 કલાક બાદ આસારામની તબિયત બગડી હતી. આ કારણે, મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે તેને પોલીસ સુરક્ષા હેઠળ આરોગ્યમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં આસારામ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. આસારામને અચાનક શું પરેશાની થઇ તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ મંગળવારે બપોરે આત્મસમર્પણ કરતા આસારામ પગ પર પ્લાસ્ટર બાંધીને નજરે પડ્યો. એટલે હૉસ્પિટલમાં દાખલ થવાનું આ કારણ પણ હોઈ શકે છે. જો કે, કારણ અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી.
રાજસ્થાન હાઈકોર્ટમાં આજે આસારામના જામીન લંબાવવાની અરજી પર સુનાવણી થશે. આસારામના વકીલોએ રાજસ્થાન હાઈકોર્ટમાં એ જ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો છે, જેના આધારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે થોડા દિવસ પહેલા આસારામને 3 મહિનાના વધારાના જામીન આપ્યા હતા. આસારામ 2 રાજ્યોમાં બળાત્કારના 2 અલગ-અલગ કેસમાં દોષિત છે, એટલે જ તેને જેલની બહાર રહેવા માટે બંને રાજ્યોની હાઈકોર્ટમાંથી જામીન લેવા પડ્યા છે. જો આસારામને આજે જામીન મળી જશે તો તે જેલની બહાર રહીને પોતાની સારવાર કરાવી શકશે. જો નહીં, તો તેણે હાલ જેલમાં રહેવું પડશે અને તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે.
આસારામે જામીનની મુદત વધારવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અનેક મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા છે. મૂળભૂત અધિકારોનો સંદર્ભ આપીને, તેણે દલીલ કરી છે કે તે 86 વર્ષનો છે અને વિશ્વમાં બહુ ઓછા લોકો 75-80 વર્ષની ઉંમર બાદ કોઈ ઇનવેસિવ સર્જરીને સહન કરી શકે છે. ભારતીય બંધારણ હેઠળ ગુનેગારોને પણ પોતાના અધિકારો હોય છે. જો કોઈ વ્યક્તિને તેના સ્વાસ્થ્યને જાળવવા માટે સારવારની જરૂર લાગે છે, તો આ અધિકાર કલમ 21 હેઠળ આવે છે.
કોર્ટમાં રજૂ કરાયેલા જોધપુર AIIMSના રિપોર્ટ અનુસાર, આસારામને કોરોનરી આર્ટરી ડીસિઝ છે, જે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. આ અહેવાલો અનુસાર, આસારામને ખાસ નર્સિંગ કેર, ક્લોઝ મોનિટરિંગ, એન્ડોક્રિનોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ પાસેથી નિયમિત કાઉન્સેલિંગની જરૂર છે. આસારામના વકીલના જણાવ્યા અનુસાર, આસારામની ઘણી તબીબી તપાસ કરવામાં આવી છે અને તમામ નિષ્ણાતોની સલાહ અને રિપોર્ટમાં ઓછામાં ઓછી એક વસ્તુ સમાન છે કે આ એક જીવલેણ સ્થિતિ છે. વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે અરજદારની સ્થિતિ કે તબિયત બિલકુલ સારી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp