હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપો વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળે આખરે મૌન તોડ્યુ

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપો વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળે આખરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

12/15/2021 Education

SidhiKhabar

SidhiKhabar

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપો વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળે આખરે મૌન તોડ્યુ

ગાંધીનગર: રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના આક્ષેપો થતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તેમના કહેવા અનુસાર, હજુ સુધી તેમને આ અંગે કોઈ ફરિયાદ મળી કે કોઈ પુરાવા પણ આપવામાં આવ્યા નથી. 


તેમણે કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવામાં આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તાજેતરમાં હેડ ક્લાર્કની 186 જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને જે શાંતિપૂર્ણ રીતે લેવાઈ હતી. 

પરીક્ષાના બીજા દિવસે પેપર લીક થયું હોવાના સમાચાર મળ્યા હતા. પરંતુ હજુ સુધી અમારી પાસે આ બાબતની કોઈ ફરિયાદ આવી નથી કે કોઈ પુરાવાઓ મળ્યા નથી. તેમ છતાં સાબરકાંઠાઉ પોલીસ તંત્ર સતર્ક થયું છે અને હાલ ટીમો બનાવીને કડક તપાસ હાથ ધરવામાં આવી છે.


ગૃહમંત્રીએ બેઠક કરી, આન્સર કી અટકાવાઈ

તેમણે ગૃહ રાજ્યમંત્રી સાથે થયેલ બેઠક અંગે જાણકારી આપતા કહ્યું કે, આજે સવારે ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક થઇ છે અને પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. આ મામલે જો કોઈ ગેરરીતિ જણાશે, તો જવાબદાર કોઈને છોડવામાં નહીં આવે અને કડક પગલા લેવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ પણ ખાતરી આપી છે કે જવાબદારોમાંથી કોઈને છોડવામાં નહીં આવે. 

તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે જ્યાં સુધી આ મામલાનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી પરીક્ષાની આન્સર કી જાહેર કરાશે નહીં. 


પેપર દસથી બાર લાખમાં વેચાયું હોવાનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે રવિવારે પરીક્ષા લેવામાં આવ્યા બાદ બીજા દિવસે પેપર લિક થઇ ગયું હોવાના આક્ષેપ થયા હતા. યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પેપર એક દિવસ પહેલા જિલ્લાના સ્ટ્રોંગરૂમમાં આવી ગયું હતું અને રાત્રે પેપર સોલ્વ કરીને 16 વિદ્યાર્થીઓને મળ્યું હતું અને ત્યારબાદ તે સુરેન્દ્રનગર, વડોદરા અને ભાવનગર પહોંચ્યું હતું. તેમણે પેપર દસથી બાર લાખમાં વેચાયું હોવાની વાત કહી છે. તેમણે તેમની પાસે પુરાવાઓ હોવાનો દાવો કર્યો હતો, જોકે ગૌણ સેવા પસંદગી મંડળે કહ્યું કે તેમને હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top