કોણ છે જ્યોર્જ સોરોસ, જેણે ભારતમાં રાજકીય ગરમાવો વધારી દીધો?
Who is George Soros: અદાણી લાંચ કેસમાં ભાજપ પર પ્રહાર કરનાર કોંગ્રેસને ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ બેકફૂટ પર મૂકી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને તેમની પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ જ્યોર્જ સોરોસ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સોરોસ તરફથી ફંડેડ એક સંગઠન ભારત વિરુદ્ધ સતત કાવતરું કરે છે.
આ આરોપ બાદ સોમવારે જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ત્યાં પણ આ છવાયેલો રહ્યો. શાસક NDAએ સોરોસ સાથે કોંગ્રેસના નેતાઓના સંબંધો પર ચર્ચા કરાવવાની માગણી કરતા બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. આ તમામ હોબાળાનીવચ્ચે હવે મોટાભાગના લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ડિસેમ્બર મહિનામાં દેશમાં રાજકીય ગરમાવો લાવનાર જ્યોર્જ સોરોસ કોણ છે.
એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર, સોરોસનો જન્મ 1930માં બુડાપેસ્ટ, હંગેરીમાં એક સમૃદ્ધ યહૂદી પરિવારમાં થયો હતો. સોરોસે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો. તેના માટે તેમણે રેલવે પોર્ટર અને વેઈટર તરીકે કામ કરવું પડ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે હિટલર યહૂદીઓને યાતના શિબિરોમાં મોકલી રહ્યો હતો, ત્યારે સોરોસને તેનાથી બચવા માટે તેના પરિવારથી અલગ રહેવાની ફરજ પડી હતી. 1947માં તેઓ તેમના પરિવાર સાથે લંડન જતા રહ્યા. ત્યાં તેમણે ફિલસૂફીમાં અભ્યાસ પૂર્ણ કર્યો અને ફિલોસોફર બનવાની યોજના બનાવી.
સોરોસ ફિલોસોફર બનતા પહેલા, તેણે પોતાના માટે કેટલાક ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી હતી. આ ક્રમમાં, તેમણે પ્રથમ લંડન મર્ચન્ટ બેંકમાં કામ કર્યું. 1956માં તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા અને ત્યાં યુરોપિયન સિક્યોરિટીઝ એનાલિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જ્યોર્જ સોરોસ પર 1997માં થાઇલેન્ડની મુદ્રા (બાહટ)માં સટ્ટો લગાવીને તેને નબળો પાડવાનો આરોપ પણ લાગ્યો હતો, પરંતુ સોરોસે હંમેશાં આ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારબાદ, તેમનું નામ એ સમયે શરૂ થયેલી નાણાકીય કટોકટી સાથે જોડાઈ ગયું જે સમગ્ર એશિયામાં ફેલાઇ ગયું હતું.
સોરોસે 1984માં પોતાની સંપત્તિના અમુક ભાગનો ઉપયોગ કરીને ઓપન સોસાયટી ફાઉન્ડેશન નામની NGOની સ્થાપના કરી. 1969-2001 સુધી, જ્યોર્જ સોરોસે પ્રખ્યાત હેજ ફંડ ઉદ્યોગપતિ તરીકે ન્યૂયોર્કમાં ગ્રાહકોના નાણાંનું સંચાલન કર્યું. સોરોસે 2010માં હ્યુમન રાઈટ્સ વૉચને 100 મિલિયન ડૉલરનું દાન આપ્યું હતું. બ્રિટાનિકા અનુસાર, ઓપન સોસાયટી ફાઉન્ડેશન 21મી સદીની શરૂઆતથી 70થી વધુ દેશોમાં કામ કરી રહી છે. 2017માં, એવા અહેવાલો હતા કે સોરોસે તાજેતરના વર્ષોમાં ઓપન સોસાયટી ફાઉન્ડેશનને આશરે 18 બિલિયન ડૉલર આપ્યા હતા.
સોરોસ પર બેંક ઓફ ઈંગ્લેન્ડને બરબાદ કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવવાનો આરોપ છે. સોરોસને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા ટીકાકાર માનવામાં આવે છે. 2020માં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઈવેન્ટમાં તેમણે મોદીની ટીકા કરી હતી. આ જ કારણ છે કે ભાજપ હવે કોંગ્રેસના નેતાઓ પર સોરોસ સાથેના સંબંધો અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp