ચંદીગઢમાં સૌથી વધુ બેઠકો જીતી હતી આમ આદમી પાર્ટી, પણ મેયર બન્યા ભાજપના!

ચંદીગઢમાં સૌથી વધુ બેઠકો જીતી હતી આમ આદમી પાર્ટી, પણ મેયર બન્યા ભાજપના!

01/08/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ચંદીગઢમાં સૌથી વધુ બેઠકો જીતી હતી આમ આદમી પાર્ટી, પણ મેયર બન્યા ભાજપના!

ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં ભારતીય જનતા પાર્ટીનાં સરબજીત કૌર મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જોકે, ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનેલી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભાજપના મેયર બનતા હોબાળો મચાવી મૂક્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા. 

ચંદીગઢમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 14 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને ફાળે 12 બેઠકો ગઈ હતી. પરંતુ કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવેલા દેવેન્દ્રસિંહ બબલા પોતાની કોર્પોરેટર પત્ની સાથે ભાજપમાં સામેલ થઇ ગયા હતા, ઉપરાંત ચંદીગઢનાં સાંસદ કિરણ ખેરને પણ એક મત આપવાનો અધિકાર મળે છે. આ રીતે ભાજપના કુલ 14 મત થયા હતા. 


ચંદીગઢ મહાનગરપાલિકાની કુલ 35 બેઠકો છે. જેમાં 24 ડિસેમ્બરે યોજાયેલ ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. પરંતુ પહેલીવાર ચૂંટણીમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ 14 બેઠકો મેળવી લીધી હતી. ત્યારબાદ ભાજપને 12, કોંગ્રેસને 8 અને અકાલી દળને એક બેઠક મળી હતી. 

મેયર પદની ચૂંટણી માટે ભાજપે પૂર્વ કોર્પોરેટર જગતાર સિંઘ બગ્ગાના પત્ની સરબજીત કૌરને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અંજુ ક્ત્યાલે ઉમેદવારી કરી હતી. કોંગ્રેસે પોતાની બેઠકો જોતા ફોર્મ જ ભર્યું ન હતું.

જોકે, તમામ પાર્ટીઓને હોર્સ ટ્રેડિંગનો ડર હોવાથી કોંગ્રેસે પોતાના કોર્પોરેટરોને રાજસ્થાન મોકલી આપ્યા હતા, ભાજપે તેના કોર્પોરેટરોને શિમલા જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલા દિલ્હી અને ત્યારબાદ કસૌલી પોતાના કોર્પોરેટરોને રાખ્યા હતા. આ તમામ આજે જ ચંદીગઢ આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીની તમામ મહેનત પાણીમાં ગઈ છે. 


તમામ કોર્પોરેટરો આજે સવારે મતદાન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ મેયરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ, જેમાં કુલ 35 બેઠકોમાંથી 28 મતો જ નાંખવામાં આવ્યા હતા. કારણ કે મતદાન દરમિયાન કોંગ્રેસ અને અકાલી દળના કોર્પોરેટરો હાજર રહ્યા ન હતા. દરમ્યાન, ભાજપના 14 અને આમ આદમી પાર્ટીના 13 મતો થયા. જ્યારે ‘આપ’નો એક મત અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. જેનાં કારણે ભાજપના ઉમેદવારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા. 

મેયર પદે ભાજપના ઉમેદવારની જાહેરાત થતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ હોબાળો મચાવી મૂક્યો હતો અને ચૂંટણીમાં ગેરરીતી થયાના આરોપો લગાવ્યા હતા. ‘આપ’ નેતાઓ મેયરની ખુરશી પાછળ જ ધરણા કરવા બેસી ગયા હતા. ઉપરાંત, મેયરને ભાષણ કરતા પણ રોક્યા હતા અને ધક્કા-મુક્કી કરી મૂકી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top