ચીનમાં મંકી બી વાયરસથી માનવ સંક્રમણ અને મૃત્યુનો પ્રથમ કેસ : જાણો શું છે વાયરસ, કઈ રીતે ફેલાય છ

ચીનમાં મંકી બી વાયરસથી માનવ સંક્રમણ અને મૃત્યુનો પ્રથમ કેસ : જાણો શું છે વાયરસ, કઈ રીતે ફેલાય છે

07/20/2021 World

SidhiKhabar

SidhiKhabar

ચીનમાં મંકી બી વાયરસથી માનવ સંક્રમણ અને મૃત્યુનો પ્રથમ કેસ : જાણો શું છે વાયરસ, કઈ રીતે ફેલાય છ

બેઈજિંગ: ચીનના વુહાન (Wuhan) શહેરમાં મળી આવેલો કોરોના વાયરસ (Corona Virus) દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યો છે. દુનિયાના લગભગ મોટાભાગના દેશોમાં પ્રસરી ચુકેલો આ વાયરસ અત્યાર સુધીમાં લાખો લોકોના જીવ લઈ ચુક્યો છે અને કેટલાય ઘરો તબાહ કરી દીધા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ચીનમાં મંકી બી વાયરસથી (Monkey B Virus) માનવ સંક્રમણ અને મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે.

રિપોર્ટ અનુસાર, ચીનની રાજધાની બેઈજિંગના (Beijing) એક ૫૩ વર્ષીય પશુ ચિકિત્સક એક ઇન્ડસ્ટ્રીમાં નોન હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યા હતા. ગત માર્ચ મહિનામાં તેમણે બે મૃત વાંદરાઓનું (Monkeys) ડિસસેક્શન કર્યું હતું. ત્યારબાદ એક મહિના બાદ તેમને ઉબકા અને ઉલટી શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ તેમને તાવ અને ન્યુરોલોજિકલ બીમારી પણ શરૂ થઇ હતી. ચીનના CDC વીકલીના જણાવ્યા અનુસાર, તેમણે અનેક હોસ્પિટલોનો સંપર્ક કર્યો, પરંતુ ૨૭ મેના રોજ તેઓ મૃત્યુ પામ્યા.

અહેવાલો જણાવે છે કે આ પહેલા ક્યારેય આવો કેસ સામે આવ્યો નથી. મંકી વાયરસથી માનવ સંક્રમણ અને મૃત્યુનો આ પહેલો કેસ છે. એપ્રિલમાં શોધકર્તાઓએ પશુ ચિકિત્સકની મજ્જાનું સેમ્પલ લીધું હતું અને જેમાં વાયરસની પુષ્ટિ થઇ હતી. જોકે, રાહતની વાત એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના સંપર્કમાં આવનાર કોઈ વ્યક્તિ સંક્રમિત થયો નથી અને હજુ સુધી તેમનામાં વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી.

ચીનના CDC વિકલી દ્વારા મંકી બી વાયરસથી પ્રથમ સંક્રમણ અને મોતના કેસને લઈને કહેવામાં આવ્યું કે આ વાયરસ પશુ ચિકિત્સકો, પ્રયોગશાળામાં કામ કરતા લોકો અથવા પ્રાણીઓની અને ખાસ કરીને વાંદરાઓની નિકટ રહેતા લોકો માટે જોખમ ઉભું કરી શકે છે.


શું છે મંકી બી વાયરસ?

શું છે મંકી બી વાયરસ?

આ વાયરસની ઓળખ વર્ષ ૧૯૩૨માં થઇ હતી. વાયરસ સીધા સંર્પક દ્વારા કે શારીરિક સ્ત્રાવોના આદાનપ્રદાનથી ફેલાઈ શકે છે. મંકી બી વાયરસથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુ દર 70 થી 80 ટકા જેટલો છે. આ વાયરસ સામાન્ય રીતે વયસ્ક મૈકાક વાંદરાઓમાં ફેલાય છે. આ ઉપરાંત રિસસ મૈકાક, સિનોમોલગસ વાંદરાઓ અથવા લાંબી પુંછડી ધરાવતા મૈકાકમાં પણ વાયરસ જોવા મળે છે.

આ વાયરસ માનવોમાં મળવો દુર્લભ છે. પરંતુ જો કોઈ માણસ તેનાથી સંક્રમિત થાય તો તેને તંત્રિકા સબંધી રોગ અને માથા અથવા કરોડરજ્જૂમાં દુઃખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે.

માનવોમાં આ વાયરસ મૈકાક વાંદરાના કરડવા કે નખ મારવાથી ફેલાઈ શકે છે. વાયરસ સંક્રમિત વાંદરાની લાળ અને મળ-મૂત્ર દ્વારા પણ ફેલાઈ શકે છે. ઉપરાંત સંક્રમિત ઇન્જેક્શનથી પણ ફેલાઈ શકે છે. આ વાયરસ કોઈ પણ સપાટી ઉપર કલાકો સુધી જીવિત રહી શકે છે.


શું છે વાયરસના લક્ષણો?

શું છે વાયરસના લક્ષણો?

મનુષ્યમાં આ વાયરસથી સંક્રમિત થયા બાદ 1 મહિનાની અંદર લક્ષણો દેખાવા માંડે છે. ઘણીવાર 3 થી 7 દિવસોમાં પણ લક્ષણો દેખાય શકે છે. જોકે, બધામાં સમાન લક્ષણો દેખાય તે જરૂરી નથી.

વાયરસથી સંક્રમિત થયા બાદ શરૂઆતમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. જેમકે, તાવ, શરદી, સ્નાયુનો દુઃખાવો, માથાનો દુઃખાવો, થાક વધુ લાગવો વગેરે. ત્યારબાદ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરનો જે ભાગ વાનરના સંપર્કમાં આવ્યો હોય ત્યાં ઘા અથવા નાના ફોલ્લા પડવાના શરૂ થાય છે. અન્ય કેટલાક લક્ષણોમાં ઉબકા, ઉલટી અને પેટમાં દુઃખાવો વગેરે પણ સામેલ છે.

વાયરસ જેમ વધુ ફેલાય છે તેમ મગજ અને કરોડરજ્જૂમાં બળતરા અને સોજો વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. વાયરસ વધુ ફેલાય તો મગજ અને ચેતાતંત્રને વધુ નુકસાન પહોંચાડી શકે છે અને આત્યંતિક કેસમાં મૃત્યુ પણ થઇ શકે છે.


શું છે ઈલાજ?

શું છે ઈલાજ?

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને જો ઝડપથી અને યોગ્ય સારવાર નહીં આપવામાં આવે તો 70 ટકા કેસમાં તે મૃત્યુ પણ પામી શકે છે. તેથી જો કોઈ વાંદરો કરડે કે નખ મારે તો તેવી સ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઈએ અને ઘા વાળી જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ નાંખવી જોઈએ.

આ વાયરસ માટે એન્ટીવાઈરલ દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ અત્યાર સુધી તેની રસી શોધી શકાઈ નથી.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top