આ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પર છરા વડે હુમલો, વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
Attack On Deputy Mayor In Rajkot: રાજ્યમાં સતત કાયદો-વ્યવસ્થા કથળી રહી છે અને ગુજરાત ગુનાની દુનિયા તરફ આગળ વધી રહ્યું હોય તેવું પ્રતિત થાય છે. રોજ મારા-મારી, હત્યા કે અત્યાચાર વિશેની કોઇક ને કોઇક ઘટના સામે આવતી હોય છે. તાજેતરમાં જ રાજકોટના ડેપ્યુટી મેયર પર છરા વડે હુમલો કરવાની ઘટના બની છે, જ્યારે સંસ્કારી નગરી વડોદરામાં પૂર્વ કૉર્પોરેટરના પુત્રની હત્યા થઇ ગઇ છે. સવાલ તો એ ઉઠે છે કે જો સત્તામાં બેઠા લોકો અને તેમના પરિવારજનો પણ સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય જનતાની તો વાત જ શું થાય?
રાજકોટમાં સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના માણસો દ્વારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરા વડે હુમલો થયો હતો. ગાંધીગ્રામ પોલીસે આરોપી સન્નીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભત્રીજાના ઝઘડામાં ડેપ્યુટી મેયર વચ્ચે પડતા આ હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છારા વડે હુમલો થતા તેમને રાજકોટની ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, નરેન્દ્રસિંહ જાડેજાને આંગળીમાં વધુ ઇજા થતા સારવાર અર્થે અમદાવાદ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણકારી મળતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આસપાસના CCTV ફૂટેજ પણ જપ્ત કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. તેની સાથે જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હૉસ્પિટલના ઇમરજન્સી સારવાર વિભાગ બહાર જ આ હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં જ ઘટના બની હતી.. કુખ્યાત આરોપી બાબરે સામાન્ય બોલા-બોલી બાદ આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ DCP, ACP કક્ષાના અધિકારીઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના નેતાઓ પણ સયાજી હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સયાજી હૉસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp