સુરતમાં 32 કરોડથી વધુની કિંમતના હીરાની ચોરી કરી રફુચક્કર થયા ચોર
ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે. સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ચોરોએ 32 કરોડથી વધુના મુદ્દામાલની ચોરી કરી CCTV-DVR પણ સાથે લઇને રફુચક્કર થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા જ DCP, ACP,સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ રજાઓનો લાભ ઉઠાવીને તેમજ સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીમાં સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીને નિશાન બનાવી હતી, આ તસ્કરોએ કંપનીની તિજેરી કટરથી કાપીને 32 કરોડથી વધુના હીરા, રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા છે. કપૂરવાડીમાં આવેલી આ હીરાની કંપનીના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે. ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. પહેલા તેમણે કારખાનાની બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું હતું, જેથી ગેસકટરનો ઉપયોગ કરતી વખતે એલાર્મ ન વાગે. આ સિવાય ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાના કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ CCTV કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું.
ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. ત્યારબાદ ચોરોએ 3 લેયરવાળી તિજોરીને ગેસકટરથી તોડી હતી. તિજોરીમાં 12x10 ઈંચનું છિદ્ર પાડવામાં આવ્યું હતું. જેથી ખબર પડે છે કે ચોરો ગેસકટર જેવી આધુનિક ચોરીના સાધનો લઈને આવ્યા હતા. ચોરોએ ઓળખ છુપાવવા માટે ચોરીની જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના 2 કેમેરા પણ કાઢી નાખ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હીરાના કારખાનાના માલિક 15મી તારીખે કારખાનું બંધ કરીને ગયા હતા. કારખાનાની અંદર એક સેફ લોકર હતું, જેમાં આ કિંમતી હીરા રાખવામાં આવ્યા હતા. ચોરોએ ગેસકટરનો ઉપયોગ કરીને લોકર તોડ્યું અને અંદરથી લગભગ 32 કરોડ રૂપિયાના હીરાની ચોરી કરી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો સંયુક્ત રીતે આ કેસની સઘન તપાસ કરી રહી છે. આ ચોરીમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. પોલીસ ટીમ જુદાં-જુદાં શહેરોમાં તપાસ માટે મોકલવામાં આવી છે અને નજીકના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
આ ઘટના બાદ DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, 3 દિવસથી રજા હોવાથી કોઇ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતા, રજાનો લાભ લઇને તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ 32 કરોડથી વધુના હીરાની ચોરી કરીને પલાયન થઇ ગયા છે. જે પ્રમાણે ચોરીને અંજામ આપ્યો છે એ પરથી લાગી રહ્યું છે કે આ રીઢા ચોરોએ ચોરીનું કાવતરૂં ઘડ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયારનગર પાસે ડાયમંડના ઓક્શનનો વેપાર ચાલે છે, અહીં 15-17 તારીખ વચ્ચે રજા હતી. 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યારબાદ આજે 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસકટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઇને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અઢી દિવસની રજા હતી. કંપનીમાં અંદાજિત 3 મિલિયન ડોલર, એટલે કે અંદાજે 25-30 કરોડની આસપાસનો માલ હતો. માલ અઠવાડિયા અગાઉ જ આવ્યો હતો. આજે સવારે નીચેના ફ્લોરવાળા ભાડૂઆતે ફોન કરીને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મંદીના કારણે હાલમાં કંપનીમાં 15-20 જ કર્મચારી કાર્યરત હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp