તમે સંઘર્ષ કોને કહો છો? : પેડીક્યોર કરી રહેલા બહેનના પગ તરફ મારું ધ્યાન ગયું અને...

તમે સંઘર્ષ કોને કહો છો? : પેડીક્યોર કરી રહેલા બહેનના પગ તરફ મારું ધ્યાન ગયું અને...

11/30/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

તમે સંઘર્ષ કોને કહો છો? : પેડીક્યોર કરી રહેલા બહેનના પગ તરફ મારું ધ્યાન ગયું અને...

દરેક વ્યક્તિની પોતાની અલગ અને આગવી વ્યાખ્યાઓ હોય છે સંઘર્ષ માટેની.આપણને બધાંને પોતાની તકલીફ સૌથી વધારે મોટી લાગતી હોય છે જે સ્વાભાવિક છે.

પણ આસપાસ જીવાતા જીવનમાં થોડા ઊંડા ઉતરીએ તો સમજાય છે કે આપણા ભાગે આવી પડેલું દુઃખ કે તકલીફ ખરેખર એટલી મોટી છે કે ફરિયાદ સિવાય આપણે કશું જ નહીં કરી શકીએ?

એક કિસ્સો કહું. હમણાં કોરોનાની પરિસ્થિતિને કારણે બ્યુટી/સલૂન સર્વિસ માટે ઓનલાઈન એપ્લિકેશન 'અર્બન કમ્પની' પરથી મેં સર્વિસ લીધી. ટાઈમ કરતાં થોડા વહેલા એ બહેન આવી પહોંચ્યા. એમની ઉંમર આશરે ચાલીસ હશે. મેં નાસ્તાનું પૂછ્યું તો સહજતાથી ના પાડી, ફક્ત પાણી પીધું, અને મારું કામ શરૂ કર્યું.

એ પેડીક્યોર કરતાં હતાં એ વખતે અનોખો અનુભવ મને થઈ રહ્યો હતો. ખૂબ માવજતથી તેઓ મસાજ કરી રહ્યાં હતાં. તલ્લીન થઈને એમનાં કામમાં જાણે ડૂબી ગયાં હતાં. મારા પગની એડીને ચમકાવી રહેલાં બહેનના પગ પર મારી નજર ગઈ. મને થયું કે જેમને આટલી સરસ ટેક્નિકસ ખબર છે, જેમને આટલું સરસ મસાજ કરતાં આવડે છે એમના પોતાના પગનો પંજો કેવોક હશે?

પણ આશ્ચર્ય! એમના પગમાં સ્લીપરની પટ્ટીથી પડી જતાં નિશાન સાફ દેખાઈ રહ્યાં હતાં. એમના પગમાં નેઇલ પોલિશ નહોતી અને નખ પણ થોડાંક મેલા હતાં! એમની આંખો નીચે સખત ડાર્ક સર્કલ હતા, જે એમની અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસની ચાડી ખાતાં હતાં. જે વ્યક્તિ રોજ પાંચ-સાત સ્ત્રીઓને રિલેક્સ કરે છે, એમની સ્કિનને ચમકાવી આપે છે એ જ વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં જોયાને કેટલો સમય થયો હશે એ સ્પષ્ટ જણાતું હતું.

મેં એમની સાથે વાતો કરવાની શરૂ કરી. એ ધીમે-ધીમે એમની પરેશાનીઓ-એમનું જીવન ખોલતાં ગયાં. એમનું કામ એ કે દરેકના ઘરે જઈને બ્યુટી સર્વિસ આપવી. એક તો ભારેખમ મોટો થેલો ભરીને દરેક જગ્યાએ જવાનું. મોટાભાગના ક્લાયન્ટ એમને પાણીનું પણ પૂછતાં નહીં, અને જો આપે તો સર્વન્ટ માટેના જે ગ્લાસ અલગ રાખેલા હોય એમાં આપે. એમની પર રૉફ જમાવે અને તોછડાઈથી વર્તે. જાણે ગુલામીપ્રથા!

મેં પૂછ્યું કે બપોરે જમવાનું શું કરો? તો કહે કે સવારે 7 વાગ્યે ટિફિનનો ડબ્બો લઈને નીકળું. ઘરના બધાં માટે આખા દિવસનું જમવાનું અને નાસ્તો બનાવીને જ આવું. બપોરે ક્યારેક ઘરે જવા મળે, પણ ખાવાનું તો આ ડબ્બામાં જે ભર્યું હોય એ જ, કારણકે સમય ન હોય ગરમ કરવાનો કે બનાવવાનો. મોટાભાગે કોઈકના ઘરે કામ પતે ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય, હું પૂછું કે મારું ટિફિન હું અહીં સાઈડમાં બેસીને ખાઈ લઉં? પણ તેઓ ના પાડે. કોઈક મંજુરી આપે તો ય ચહેરા પર અણગમો સ્પષ્ટ વર્તાય! અને બહાર રોડ પર તો કેવી રીતે જમી શકાય? એટલે અઠવાડિયામાં ચાર દિવસ તો હું લંચ કરતી જ નથી! સવારે નાસ્તો કરીને નીકળું અને રાત્રે ઘરે જઈને જમું. (આપણે ગુજરાતમાં કદાચ કોઈ આ રીતે પોતાના ઘરે આવેલ વર્કરને જમવાની ના ન પાડે. પણ અહીં મેટ્રો સિટીઝમાં લોકો એટલા ખુલ્લા દિલના નથી રહી શકતા!)


મને થતું હતું કે આટલી હાડમારીઓ, આટલી અવહેલના છતાં આ સ્ત્રી કેટલી નિર્મળ લાગે છે! કેટલું પ્રેમથી તેઓ વાતો કરતાં હતાં ને કામમાં પણ કોઈ દિલચોરી નહીં. મારો એક નખ સહેજ ઉખડી ગયેલો, એને કાપતી વખતે હું ડરતી હતી તો મારું ધ્યાન બીજે દોરવા માટે મને કંઈક ને કંઈક પૂછવા લાગ્યા અને હું જવાબો આપતી હતી એટલી વારમાં એમણે નખ કાપી લીધો. મને ખબર પણ ન પડે એ રીતે. આ જોઈને મને સાચે જ માન થઈ આવ્યું એમની સૂઝ અને આવડત પર.

મને કહે કે તમારી જનરેશન નસીબદાર છે. તમારા પતિ કે ઘરવાળા સામેથી તમને કહે કે આવી બધી સર્વિસ લો અને સુંદર દેખાઓ. અમારા વખતમાં તો આઈ-બ્રો કરાવવી હોય તોયે સાસુ કેટલા મહેણાં મારતાં. ચાર-છ મહિને એકાદ વાર કશુંક કરાવવા મળે. સાતેક વર્ષ પહેલાં એક નોર્થ ઇન્ડિયન બહેનને ત્યાં સર્વિસ આપવા જતી. એ બહેન કાયમ રાત્રે 9 વાગ્યા પછી જ મને આવવાનું કહેતાં. કારણકે આખો દિવસ તો એમને બહુ જ કામ હોય ઘરનું. રાત્રે હું એમને પેડી ક્યોર કરતી હોઉં કે ફેશિયલ કરતી હોઉં એ દરમિયાન જ એ સૂઈ જતાં, એટલા થાકેલા હોય!

મને સાચે જ એ પેઢી નજર સામેથી પસાર થઈ ગઈ, જેમના જીવનમાં 'પેમ્પર' શબ્દ સ્થાન જ નહોતો ધરાવતો.

પણ આ બહેનને મળ્યાં પછી મને એટલું તો સમજાયું કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સંઘર્ષ કરવો જ પડે છે. એના પ્રકાર અલગ હોવાના પણ શાંતિ તો કોઈનાયે જીવનમાં નથી જ. તો પછી એ સ્થિતિ દરમિયાન જે કંઈપણ કામ કરીએ છીએ તે પૂરી નિષ્ઠાથી, પ્રામાણિકતાથી અને પ્રેમથી કરીએ તો પોતે તો ખુશ રહી શકીએ, સાથે-સાથે આપણા સંપર્કમાં આવતી દરેક વ્યક્તિને ટાઢક પહોંચાડી શકીએ.

બીજું એક એ પણ કહેવાનું મન થાય છે કે આપણી સર્વિસ માટે આવતી કોઈપણ વ્યક્તિ હોય, એમને માન આપવાનું ચૂકતાં નહીં. એ પણ એક આપણા જેવો જ જીવ છે, જે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડી રહ્યો છે.તમારાથી ન થતાં કામ, તમને કરવા ન ગમતાં કામ એ તમને કરી આપે છે. એની મહેનતની મૂડી ચૂકવવામાં સહેજેય પાછી પાની કરતાં નહીં. એ જે કામ કરે છે એના માટે એને ઉતરતી નજરથી જોવાની બિલકુલ જરૂર નથી, કારણકે એ એવા કામ કરે છે જે આપણને કોઈ ડબલ પૈસા આપે તો પણ આપણે કરીશું નહીં, કરી શકીશું નહીં!

જીવ માત્રનો પ્રેમથી સ્વીકાર કરીએ અને બની શકે ત્યાં સુધી એમની પડખે ઊભા રહીએ, એનાથી મોટી બીજી કઈ સેવા હોઈ શકે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top