અંતિમ મેચ જીતવા છતાં ભારત માટે વર્લ્ડ કપની સફર પૂરી થઇ, 2012 બાદ પહેલીવાર ટીમ ક્વોલિફાય ન થઇ શકી
સ્પોર્ટ્સ ડેસ્ક: આખરે T-20 વર્લ્ડ કપમાં ભારતની સફર પૂરી થઇ છે. ગઈકાલે ભારતે નામિબિયા સામે અંતિમ લીગ મેચ રમી હતી અને તેની સાથે જ ટીમ માટે ટી-20 વર્લ્ડ કપ પૂરો થયો છે. જોકે, ગઈકાલની મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી પરંતુ તેનો કોઈ અર્થ રહ્યો ન હતો.
આ વર્લ્ડ કપમાં ભારતે કુલ પાંચ મેચ રમી હતી, જેમાંથી બેમાં હાર અને ત્રણમાં જીત મળી હતી. જેની સાથે ટીમના કુલ 6 પોઈન્ટ થયા હતા. ભારત ગ્રૂપ B માં હતું. નિયમ અનુસાર, પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાન પામનાર ટીમો સેમી-ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે. જેમાં ભારતીય ટીમ સ્થાન ન બનાવી શકતા બહાર થઇ ગઈ હતી.
ભારતીય ટીમની શરૂઆત નબળી થઇ હતી. પાકિસ્તાન સામે પહેલી મેચ ખરાબ રીતે હારી ગયા બાદ બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારબાદની અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામેની ત્રણેય મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. પરંતુ તેમ છતાં સેમી-ફાઈનલમાં પહોંચવાનું સપનું રગદોળાઈ ગયું હતું.
ભારતીય ટીમ સેમી ફાઈનલમાં પહોંચશે કે નહીં તેનો આધાર અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ઉપર હતો. જો, અફઘાનિસ્તાનની જીત થાય તો ભારત માટે સેમીફાઈનલમાં પહોંચવાનું સરળ થાય તેમ હતું. પરંતુ અફઘાનિસ્તાન હારી જતા ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઈ હતી.
વર્ષ 2012 બાદ પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય ટીમ કોઈ ICC ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય ન થઇ શકી હોય. ભારતીય ટીમે ત્યારબાદની તમામ ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું તેમજ 2015 અને 2019 ના વર્લ્ડ કપમાં પણ ટીમ ક્વોલિફાય થઇ ગઈ હતી. પરંતુ આ વર્ષે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે ચાહકો નિરાશ થયા છે.
અફઘાનિસ્તાન-ન્યુઝીલેન્ડ મેચ પહેલા રવિન્દ્ર જાડેજાને એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું હતું કે જો અફઘાનિસ્તાન હારી જાય તો શું થશે? જેના જવાબમાં તેમણે રમૂજી સ્વરે કહ્યું હતું કે, તો અમે બેગ પેક કરીને ઘરે જઈશું. અફઘાનિસ્તાનની હાર સાથે એ વાત સાચી પડી છે. હવે ભારતીય ટીમ બેગ પેક કરીને ઘર ભેગી થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp