ડૉ.મનમોહન સિંહ હંમેશાં બ્લૂ પાઘડી કેમ પહેરતા હતા? પોતે જ કર્યો હતો ખુલાસો
Manmohan Singh: દેશ પોતાના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી દુઃખી છે. એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, RBIના પૂર્વ ગવર્નર, આધુનિક ભારતીય અર્થતંત્રના આર્કિટેક્ટ, જેમણે પાછળથી સરકારનું નેતૃત્વ કર્યું. દેશના પ્રથમ શીખ વડાપ્રધાન. તેમનું ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હીની AIIMS હૉસ્પિટમાં નિધન થઇ ગયું હતું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે સંપૂર્ણ સરકારી સન્માન સાથે કરવામાં આવશે. સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. મનમોહન સિંહ હંમેશા બ્લૂ રંગની પાઘડીમાં જોવા મળતા હતા. આખરે તેમની પાઘડીના આ રંગનું રહસ્ય શું હતું, તેમણે પોતે જ એક વખત તેનો ખૂલાસો કર્યો હતો.
મનમોહન સિંહે ખુલાસો કર્યો હતો કે તેમની પાઘડીનો બ્લૂ રંગ તેમની અલ્મા મેટર કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે આદરનું પ્રતિક છે. વર્ષ 2006માં તેમને કાયદાની ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે આ રહસ્ય ખોલ્યું હતું.
મનમોહન સિંહે વર્ષ 1954માં પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ માસ્ટર્સ કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાક ઑનરની ડિગ્રી મેળવી. ઑક્ટોબર 2006માં, તેમણે તેમની ડિગ્રી પ્રાપ્ત કર્યાના લગભગ 50 વર્ષ બાદ, કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને કાયદાની ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી.
સમારંભ દરમિયાન જ્યારે તેમને આ પદવી એનાયત કરવામાં આવી રહી હતી, ત્યારે એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપે તેમની બ્લૂ પાઘડી તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, 'તેમની પાઘડીનો રંગ જુઓ.' આ ટિપ્પણી પર તાળીઓના ગડગડાટ વચ્ચે ડૉ. સિંહે કહ્યું હતું કે આછો બ્લૂ તેમનો પ્રિય રંગ છે અને એ તેમને કેમ્બ્રિજના દિવસોની યાદ અપાવે છે. બ્લૂ મારો પ્રિય રંગ છે અને ઘણીવાર મારા માથા પર દેખાય છે. કેમ્બ્રિજમાં તેમના સાથીદારો તેમને પ્રેમથી 'બ્લૂ ટર્બન' કહેતા હતા.
ડૉ.મનમોહન સિંહ વર્ષ 2004-2014 સુધી સતત 10 વર્ષ વડાપ્રધાન રહ્યા. તેઓ તેમની નીતિ વિશેષતા અને આર્થિક સુધારા માટે જાણીતા છે. વર્ષ 1991માં નાણામંત્રી તરીકે, તેમણે ભારતના અર્થતંત્રને ઉદારીકરણ તરફ દોર્યું, જેનાથી દેશમાં અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ થઈ. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ભારતે ઉચ્ચ વિકાસ દર હાંસલ કર્યો અને લાખો લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp