ગૌતમ ગંભીરનું મુખ્ય કોચ બનવું ભારતીય ટીમ માટે 'અશુભ'?, આ 3 શરમજનક રેકોર્ડ બન્યા
રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમે 2024 T20, વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, તેની સાથે મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો. દ્રવિડ બાદ આ જવાબદારી ગંભીરને સોંપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી ગંભીર ભારતીય ટીમ માટે મુખ્ય કોચ તરીકે 'અશુભ' સાબિત થયો છે. અત્યાર સુધી ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ઘણી વખત શરમ અનુભવી ચૂકી છે. ગંભીરની કોચિંગ હેઠળ ભારતીય ટીમને અત્યાર સુધીમાં ત્રણ વખત ઐતિહાસિક નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. તો ચાલો જાણીએ કે ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ક્યારે ક્યારે શરમમાં મુકાઇ ચૂકી છે.
ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ, ભારતીય ટીમે 27 જુલાઇથી 7 ઑગસ્ટ વચ્ચે 3 મેચની ODI અને 3 મેચની T20 શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ભારતીય ટીમે T20 શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. પરંતુ ત્યારબાદ રમાયેલી 3 મેચની વન-ડે શ્રેણીમાં મેન ઇન બ્લૂ ટીમને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની પ્રથમ મેચ ટાઇ રહી હતી. ત્યારબાદ શ્રીલંકાએ આગામી 2 મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. 27 વર્ષમાં શ્રીલંકા સામે દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બેંગ્લોરમાં રમાઇ હતી. આ બેંગ્લોર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટે હરાવી હતી. આ મેચ દ્વારા ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર 36 વર્ષ બાદ ભારત સામે ટેસ્ટ જીત નોંધાવી હતી. આ અગાઉ કિવીની ટીમે 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટમાં ભારત સામે જીત મેળવી હતી.
ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ભારતીય ટીમ ઘરેલું ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 50થી ઓછા રનના સ્કોર સાથે ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ સામે બેંગ્લોર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 46 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમનો આ ત્રીજો સૌથી લોએસ્ટ સ્કોર હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp