સરકારે ટ્વિટરનો સુરક્ષા અધિકાર છીનવ્યો, ગેરકાનૂની સામગ્રી દેખાતાં જ થશે કાર્યવાહી

ટ્વિટર વિરુદ્ધ સરકારનું એક્શન : સુરક્ષા અધિકાર છીનવાયો, હવે ગેરકાનૂની સામગ્રી દેખાતાં જ થશે કાર્યવાહી

06/16/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

સરકારે ટ્વિટરનો સુરક્ષા અધિકાર છીનવ્યો, ગેરકાનૂની સામગ્રી દેખાતાં જ થશે કાર્યવાહી

નવી દિલ્હી : નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોનું પાલન કરવામાં ખચકાટ અનુભવતી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર ઉપર સરકારે મોટી એક્શન લીધી છે. ભારતીય આઈટી એક્ટની કલમ 79 અંતર્ગત તેને ભારતમાં મળનારી સુરક્ષાનો અધિકાર છીનવી લેવાયો છે. તેથી હવે કોઈ યૂઝર ટ્વિટર ઉપર ગેરકાનૂની કે ભડકાઉ પોસ્ટ મુકશે તો કંપનીના મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓને પોલીસ પૂછપરછ કરી શકશે. ટ્વિટર વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ ગુનો પણ નોંધી શકાશે. કાયદાકીય અધિકારી નિયુક્ત ન કરવા બદલ સરકારે ટ્વિટર વિરુદ્ધ આ પગલું લીધું છે.

અધિકારીક સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપનીનું વલણ નવા આઈટી નિયમોને અનુરૂપ નથી જેને કારણે તેની આ સુરક્ષા હટાવી દેવામાં આવી છે. જે અનુસાર, હવે કોઈ પણ ભડકાઉ કે ગેરકાનૂની સામગ્રી પોસ્ટ થશે તો પોલીસ કંપનીના ટોચના અધિકારીઓને પૂછપરછ કરી શકશે. નવા આઈટી નિયમો મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓએ 25 મે સુધીમાં કેટલાક કાનૂની અધિકારીઓની નિમણૂંક કરવાની હતી, પરંતુ સરકાર દ્વારા ટ્વિટરને વારંવાર સૂચના આપ્યા છતાં આ અધિકારી નિયુક્ત ન કરાતા સરકારે આ પગલું ભરવું પડ્યું છે. જોકે ટ્વિટર સિવાયની ગૂગલ, ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી કંપનીઓની સુરક્ષા યથાવત રહેશે.

આઈટી મંત્રાલયના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ટ્વિટર તરફથી હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તેને વારંવાર યાદ અપાવવા છતાં કંપની તરફથી નક્કર પગલાં ઉઠાવવામાં આવ્યા નથી. સરકારે 5 જૂને ટ્વિટરને એક છેલ્લી નોટીસમાં કહ્યું હતું કે, તેને આઈટી નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપવામાં આવે છે. જો તે નિયમોનું પાલન નહીં કરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

ટ્વિટરે કહ્યું, અમે વચગાળાનો ચીફ કોમ્પ્લિએન્સ ઓફિસર નિયુક્ત કરી લીધો છે

આ દરમિયાન ટ્વિટરના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, કંપની નવા દિશાનિર્દેશોનું પાલન કરવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે અને આઈટી મંત્રાલયને પ્રક્રિયાના દરેક સ્તરે જાણકારી આપવામાં આવી રહી છે. પ્રવક્તાએ આગળ કહ્યું કે, કંપનીએ એક વચગાળાના ચીફ કોમ્પ્લિએન્સ ઓફિસર (અનુપાલન અધિકારી) નિયુક્ત કરી લીધા છે અને તેને સંબંધિત માહિતી ટૂંક સમયમાં જ મંત્રાલયને આપવામાં આવશે.     

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top