INDIA ગઠબંધનમાં ક્રેક? ગુજરાતમાં કોંગ્રેસે AAP સાથેના ગઠબંધન પર લગાવી બ્રેક, જાણો શું આરોપ લગાવ્યો
ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના મતભેદો સતત સામે આવતા રહે છે. આ ગઠબંધન માત્ર રાષ્ટ્રીય લેવલ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્ય સ્તર પર તો પાર્ટીઓ અલગ-અલગ જ ચૂંટણી લડી રહી છે. પછી આપણે હરિયાણાનું ઉદાહરણ લઈએ કે દિલ્હી-પંજાબ. આ તમામ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ અલગ-અલગ ચૂંટણી લડી રહી છે. જો કે, મહારાષ્ટ્રમાં એવું જોવા મળ્યું નથી. અહી ઈન્ડિયા ગઠબંધનમા સામેલ તમામ પાર્ટીઓ એકજૂથ થઈને લડી હતી, છતા સીટ ફાળવણીને લઈને મતભેદના અહેવાલો તો આવ્યા જ હતા. હવે ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસે શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન નહીં કરે અને ગુજરાતની 2 વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીઓ એકલા હાથે લડશે. કોંગ્રેસ રાજકીય બાબતો સમિતિની બેઠક બાદ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પાર્ટીએ પેટાચૂંટણીમાં AAPથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે કારણ કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીએ તેમની સાથે પરામર્શ કર્યા વિના જ વિસાવદર બેઠક માટે તેમના ઉમેદવારની જાહેરાત કરી હતી
જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના વલણ છતા, બંને પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા બ્લોકનો ભાગ રહેશે. ગોહિલે સંકેત આપ્યો કે AAP, ઇન્ડિયા બ્લોકનો ભાગ હોવા છતા, વિસાવદર બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરીને ગઠબંધન ધર્મનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. ચૂંટણી પંચે હજુ સુધી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ AAPએ ગયા મહિને વિસાવદર બેઠક માટે પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, 'અમારી રાજકીય બાબતો સમિતિની બેઠકમાં, આગામી પેટાચૂંટણીઓ વિશે વિગતવાર ચર્ચા થઈ. દરેક ગઠબંધનના કેટલાક સિદ્ધાંતો હોય છે. આમ આદમી પાર્ટીએ અમારી સલાહ લીધા વિના વિસાવદર માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અમે ઇન્ડિયા બ્લોકનો હિસ્સો છીએ, પરંતુ રાજ્ય પાર્ટી એકમો પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણી હારી ગઈ કારણ કે AAPએ કેટલીક બેઠકો પર તેમની ઓફર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો હતો.
ગોહિલે કહ્યું કે, કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાં AAP માટે ભરૂચ અને ભાવનગરની બેઠકો ખાલી રાખી હતી.એટલે, અમે સર્વાનુમતે આગામી પેટાચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે.' એ પણ એક હકીકત છે કે ગુજરાતના મતદારોએ ક્યારેય કોઈ ત્રીજી તાકતને સ્વીકારી નથી. AAP દ્વારા કરાયેલા નુકસાન છતા, કોંગ્રેસ હજી પણ અહીં સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. લોકોના હિતમાં, કોંગ્રેસ આ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે.
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ડિસેમ્બર 2023થી ખાલી છે. AAPના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપી દીધુ અને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ગયા હતા. એટલા આ બેઠક ખાલી છે. આ દરમિયાન, મહેસાણામાં કડી બેઠક, જે અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત છે, તે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ 4 ફેબ્રુઆરીથી ખાલી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp