શું જૂના મતભેદો ભૂલીને સાથે આવશે ઠાકરે બંધુઓ? જાણો રાજ ઠાકરેના નિવેદન પર ઉદ્ધવે શું કહ્યું
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર એવો સવાલ ગુંજવા લાગ્યો છે કે શું ઠાકરે બંધુઓ પોતાના જૂના મતભેદો ભૂલીને સાથે આવી જશે? મરાઠી ઓળખ અને રાજ્યના હિતોના મુદ્દા પર રાજ ઠાકરેના તાજેતરના નિવેદને આ શક્યતાને હવા આપી છે. રાજ ઠાકરેએ અભિનેતા મહેશ માંજરેકરના પોડકાસ્ટમાં કહ્યું કે, જ્યારે મોટા મુદ્દાઓ સામે હોય છે, ત્યારે પરસ્પર ઝઘડા નાના લાગે છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી માનુષ માટે અમારી વચ્ચેના ઝઘડા નજીવા છે. સાથે આવવું મુશ્કેલ નથી, બસ તેના માટે ઇચ્છા હોવી જોઇએ છે અને તે માત્ર મારી ઇચ્છાનો સવાલ નથી, તે માત્ર મારા સ્વાર્થનો સવાલ નથી. મોટા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ તેનો જવાબ આપતા કહ્યું કે, હું પણ આહ્વાન કરું છુ કે બધા મરાઠી લોકો મારાઠી માનુષના હિતમાં એક સાથે આવે, પરંતુ એક જ શરત છે. જ્યારે હું લોકસભાના સમયે કહી રહ્યો હતો કે ઉદ્યોગોને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ખસેડવામાં આવી રહ્યા છે, ત્યારે તેનો વિરોધ થયો હોત તો આજે કેન્દ્રમાં આ સરકાર સત્તામાં ન હોત. રાજ્યમાં પણ એવી સરકાર હોત જે મહારાષ્ટ્રના હિત બાબતે વિચારતી હોત.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'ત્યારે તમે તેમનું સમર્થન કર્યું, હવે તમે તેમનો વિરોધ કરો છો, ત્યારબાદ તોડ-જોડ યોગ્ય નહીં રહે. જે કોઈ મહારાષ્ટ્રના હિતની વિરુદ્ધ હશે, તેને હું મારા ઘરે બોલાવીને નહીં ખવડાવું. પહેલા આ કરો, પછી મહારાષ્ટ્રના હિતની વાત કરો.’
મંગળવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે સાથે તેમના દાદર સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ શિંદેની ઠાકરેના નિવાસસ્થાન 'શિવ તીર્થ'ની આ પહેલી મુલાકાત હતી. શિવસેના પ્રમુખની સાથે પાર્ટીના નેતા અને મહાયુતિ સરકારમાં ઉદ્યોગ મંત્રી ઉદય સામંત પણ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એકનાથ શિંદેની આ મુલાકાત દરમિયાન રાજ ઠાકરેના પુત્ર અમિત અને મુંબઈ મનસે પ્રમુખ સંદીપ દેશપાંડે પણ હાજર હતા.
શિવસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, રાજ ઠાકરેએ એકનાથ શિંદેને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આ બેઠક મહત્ત્વપૂર્ણ હતી કારણ કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આ વર્ષે યોજાવાની અપેક્ષા છે. આ ચૂંટણીઓ 3 વર્ષથી પેન્ડિંગ છે. છેલ્લા 2 મહિનાથી, મનસે મરાઠી ભાષા માટે પોતાનું આંદોલન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે અને રાજ્યમાં દરેક જગ્યાએ મરાઠી ભાષાનો ઉપયોગ થવો જોઈએ તેવી માગ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp