...જ્યારે જૂનાગઢને ‘પાકિસ્તાન’ બનાવવા માંગતો નવાબ પાંચ બેગમો અને અઢાર સંતાનો અંધારી રાતે નાસી છ

...જ્યારે જૂનાગઢને ‘પાકિસ્તાન’ બનાવવા માંગતો નવાબ પાંચ બેગમો અને અઢાર સંતાનો અંધારી રાતે નાસી છૂટ્યો!

08/06/2020 Politics

જવિન માંગરોળા
નો ન્યૂટ્રલ
જવિન માંગરોળા
લેખક, પત્રકાર

...જ્યારે જૂનાગઢને ‘પાકિસ્તાન’ બનાવવા માંગતો નવાબ પાંચ બેગમો અને અઢાર સંતાનો અંધારી રાતે નાસી છ

પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલ નકશામાં જૂનાગઢને પાકિસ્તાનના નકશામાં દર્શાવવામાં આવ્યું છે. આ સમયે પાકિસ્તાને ઈગ્નોર કરવાની જરૂર છે. સાથે જ જૂનાગઢના ભવ્ય ઈતિહાસને યાદ કરતો રહેવો જરૂરી છે. જે રીતે પાકિસ્તાન તરફી નવાબ (મહાબતખાન) તેના કૂતરાઓ સાથે ભાગી છૂટ્યો હતો, તેની કાયરતા સમગ્ર પાકિસ્તાન અને વિશ્વ સામે જાહેર કરવી જોઈએ. પાકિસ્તાને જૂનાગઢને પાકિસ્તાનમાં દર્શાવવા સાથે પોતાની આબરૂના વિશ્વ સમક્ષ ધજાગરા ઉડાવવાનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે.

ઓગષ્ટ 1947માં જ્યારે ભારત દેશને આઝાદી મળી એ સમયે ભારતનો નકશો ખંડિત હતો. ગોવા, કાશ્મીર, જૂનાગઢ સહિતના કેટલાક રાજ્યો અને અને પ્રદેશો ભારતમાં ભળવાના હજુ બાકી હતા. સરદાર પટેલ તે સમયે ભારતને અખંડિત બનાવવા તનતોડ મહેનત કરી રહ્યાં હતા. જૂનાગઢના નવાબે 14 ઓગષ્ટ સુધીમાં બે વખત ભારત સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા ગલ્લા તલ્લા થઈ રહ્યાં હતા. સરદારને અહી કંઈક ખીચડી પાકી રહી હોવાનો અંદેશો તો આવી જ ગયો હતો. 15 ઓગષ્ટે નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી. આ અંગે નવાબે ભારતના ગૃહખાતાને જાણ કરી ન હતી. જોકે જૂનાગઢની પ્રજાને ભારત સાથે જોડાવવાની તીવ્ર લાગણી હતી.


સરદાર પટેલ એ સમયે લશ્કરી કાર્યવાહી કરી જૂનાગઢને ભારતમાં જોડવાના ફુલ મુડમાં હતા. જોકે નહેરુ લશ્કરી કાર્યવાહીના વિરોધી હતાં, કારણ કે જો લશ્કરી કાર્યવાહી થાય તો સીધો અર્થ ભારત પાકિસ્તાનના યુદ્ધ તરફ વળતો હતો. (જોકે પાકિસ્તાને ખૂબ ટૂંકા સમયમાં જ કાશ્મીર હુમલો કરી પોતાની આડોડાઈ દર્શાવી હતી) સરદાર ડાઈરેક્ટ મદદ કરી શકે એમ ન હતાં.

એ સમય દરમિયાન જૂનાગઢના કેટલાક આગેવાનો જૂનાગઢને ભારતમાં જોડવા માટે મેદાને આવ્યા હતાં. શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ 25 સપ્ટેમ્બર 1947ના રોજ  રોજ જૂનાગઢના વતનીઓની એક જાહેર સભા મુંબઈ ખાતે માધવબાગમાં મળી.


આ સભામાં આરઝી હકૂમત એટલે કે કામચલાઉ સરકારની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. એક ઢંઢેરામાં જૂનાગઢમાંથી નવાબી શાસનનો આજથી અંત આવે છે એવું જણાવાયું. શામળદાસ ગાંધી આ કામચલાઉ સરકારના વડાપ્રધાન બન્યા. દુર્લભજી ખેતાણી નાયબ વડાપ્રધાન, મણીલાલ દોશી ગૃહપ્રધાન, નરેન્દ્ર નથવાણી કાનૂન અને વ્યવસ્થા પ્રધાન, સુરંગભાઈ વરુ સંરક્ષણ પ્રધાન, અને ભવાનીશંકર ઓઝા નિરાશ્રીત ખાતાના પ્રધાન બન્યા સાથે રતુભાઈ અદાણી સરકારના સેનાપતિ બન્યા. રસિક પરીખે લડવૈયાઓ માટે હથિયાર, દારુગોળો લઈ આવવાની જવાબદારી સ્વીકારી તો સનત મહેતા, જશવંત મહેતા વગેરે કાર્યકરોને લશ્કરી ટૂકડીઓને દોરવણી આપવાની જવાબદારી સોંપાઈ. આરઝી હકૂમતે લડવૈયા ભેગા કર્યા અને આ ટીમને આઝાદ જૂનાગઢ ફોજનું નામ આપ્યું.

એક હકીકત એ પણ છે કે, જૂનાગઢના પ્રશ્ને ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનના અધ્યક્ષપદે એક બેઠક મળી હતી. જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મોહનલાલ સક્સેના અને ગોપાલસ્વામી આયંગર વગેરે હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોર્ડ માઉન્ટબેટને એવો આગ્રહ કર્યો હતો કે ભારતે વહેલી તકે જૂનાગઢનો પ્રશ્ન યુનોમાં લઈ જવો જોઈએ. જો આમ નહિ થાય તો ભારતને મોટ એવો મોટો ફટકો પડશે. આથી માઉન્ટબેટન સાહેબની ઈચ્છા એવી હતી કે એક નાનકડા જૂનાગઢને જતું કરી ભારતે પોતાની પ્રજાની આખી પેઢીને બચાવી લેવી જોઈએ. જો સદનસીબે આ બ્રિટીશ ડહાપણ કોઈના પણ ગળે ન ઉતર્યું. આરઝી હકૂમતની એક ટૂકડી મુંબઈથી 3૦ સપ્ટેમ્બર, 1947ના રોજ રાજકોટ પહોંચી ત્યાંના જૂનાગઢના ઉતારાનું મકાન કબજે કરી આરઝી હકૂમતનો ઝંડો લહેરાવ્યો. આ પ્રિમાઈસિસમાં આરઝી હકૂમતની કચેરી શરૂ થઈ અને જૂનાગઢનો કબજો મેળવવા ‘આઝાદ જૂનાગઢ ફોજ’ માટે ભરતી શરૂ થઈ. જોતજોતાંમાં ૪,૦૦૦ લડવૈયા એકઠા થઈ ગયા. રતુભાઈ અદાણીએ શસ્ત્રો ચલાવવાની તાલીમ આપી, આરઝી હકૂમતના આ પહેલી મનોવૈજ્ઞાનિક સફળતા હતી. આરઝી હકૂમત સામે ટક્કર ઝીલવાની નવાબમાં કોઈ તાકાત જ ન હતી. આરઝી હકૂમત દ્વારા ‘આઝાદ જૂનાગઢ રેડિયો’ પણ શરૂ થયો અને જૂનાગઢની પ્રજાને હથિયાર સાથે કે હથિયાર વિના જૂનાગઢ પર કૂચ લઈ જવાની સતત અપીલ કરવામાં આવી રહી હતી.


25 ઓક્ટોબર 1947ના રોજ આ વિજય કૂચ શરૂ થઈ. આઝાદ જૂનાગઢ ફોજે જૂનાગઢની હદમાં પ્રવેશ કરી એક જ દિવસમાં 11 ગામો કબજે કર્યા. સ્થાનિક પ્રજાના સહયોગના કારણે થોડા જ સમયમાં બીજા 36 ગામ કબજે કરાયા. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત કરાયા. તે પછી કુતિયાણામાં બખેડો ઊભો થયો. કુતિયાણાની વસ્તીમાં તે વખતે મુસ્લીમ વસ્તી અંદાજે 13,000 હતી. જ્યારે હિન્દુ વસ્તી માંડ હજારેક માણસની હતી. ત્યાંના બે સ્થાનિક મુસ્લીમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે જાહેર કર્યું કે અમે ‘આઝાદ કુતિયાણા સરકાર’ ચલાવીશું. આ માથાભારે માણસોએ જીદ પકડી રાખતા તેમને ઘેરી લેવામાં આવ્યા. ઘેરાઈ ગયા છતાં આ બન્ને શખ્શોએ હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલ, તમંચા વગેરેથી લડવાનું ચાલુ રાખ્યું આથી તેઓને ઠાર કરાયા. ખૂબ ટૂંકા સમયમાં જૂનાગઢ શહેર સિવાયનું આખું જૂનાગઢ રાજ્ય આરઝી હકૂમતના દાયરામાં આવી ગયું હતું. જૂનાગઢ ચારે બાજુથી ઘેરાઈ ગયું હતું અને બહારનો સંપર્ક કટ થઈ જતાં શહેરમાં અનાજ, દૂધ, શાકભાજી વગેરે વસ્તુની અછત ઊભી થઈ. તમામ વેપાર-ધંધા ઠપ થઈ ગયા. માત્ર હિન્દુ વસ્તી નહિ પણ તમામ મુસ્લીમ વસ્તીમાં પણ નવાબ સામે રોષ ફેલાયો. ગભરાયેલા નવાબે પાકિસ્તાનની લશ્કરી મદદ મેળવવા પોલિસ અધિકારી કે. એમ. નકવીને લેખિત વિનંતી સાથે કરાંચી મોકલાવ્યા. પાકિસ્તાનને આ નવાબની કંઈ પડી નહોતી. નકવી સાહેબ કરાંચીમાં રોકાઈ ગયા અને નધણિયાતા નવાબ રખડી પડ્યા. છેવટે એક રાતે અંધારાનો લાભ લઈ સવા કરોડથી વધુ રોકડ રકમ, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો, કૂતરાઓ લઈ પાકિસ્તાન જતા રહ્યા. ત્યાર બાદ તેના સેક્રેટરી શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢને ટકાવી રાખવા ખૂબ કોશિશ કરી જોઈ. તેમને સૌરાષ્ટ્રના મુસ્લીમોનો ટેકો મળશે એવી આશા હતી પરંતુ કાઠિયાવાડ તો ઠીક ખૂદ જૂનાગઢના મુસ્લીમોનો પણ ટેકો ન મળ્યો. અંતે થાકીને, મોકો મળતા પોતે પણ પાકિસ્તાન ભાગી ગયો.  20મી ફેબ્રુઆરી, 1948ના રોજ ભારતમાં એકીકરણ અંગે જૂનાગઢની પ્રજાની ઈચ્છા જાણવા સરદાર સહિતના આગેવાનો દ્વારા લોકમત લેવાયો. જેમાં માત્ર ૮ મતદારોએ પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. બાકીના બધા મત ભારતની તરફેણમાં પડ્યા. આ સાથે જૂનાગઢ કાયદેસર રીતે ભારતમાં જોડાયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top