No confidence motion against Jagdeep Dhankhar: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષના જોરદાર હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સારી રીતે ચાલી શકતી નથી. આ દરમિયાન INDIA ગઠબંધને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. મંગળવારે ફરીથી રાજ્યસભાની દિવસભરની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.
અવિશ્વાસના પ્રસ્તાવના સંબંધમાં લગભગ 70 સાંસદોએ સહી કરી છે. તેમાં કોંગ્રેસ, બંગાળની તૃણમુલ કોંગ્રેસ (TMC), અરવિંદ કેજરીવાલાની આમ આદમી પાર્ટી (AAP), અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP), તામિલનાડુની DMK અને લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસનો સાથ મળ્યો નથી. મમતા બેનર્જીની પાર્ટીએ સદનમાંથી વોકઓઉટ કરી દીધું હતું.
રાજ્યસભામાં સંખ્યાબળને જોતા આ પ્રસ્તાવ પડી જાય તેવી સંભાવના છે, પરંતુ વિપક્ષે ઓગસ્ટ મહિનામાં પણ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચાર કર્યો હતો. તે એવું સાબિત કરવા માગે છે કે પીઠાસીન અધિકારીએ તેને સદનમાં બોલવાની તક ન આપી.
જગદીપ ધનખડ સતત વિપક્ષી ગઠબંધનના નેતાઓને રાજ્યસભામાં તેમના આચરણ અને સતત હોબાળા સાથે સદનને ચાલવા ન દેવા માટે આડેહાથ લે છે. આ દરમિયાન મંગળવારે ઘણા વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં અદાણી મુદ્દે પ્રદર્શન કર્યું હતું. તેઓ કાળા રંગની બેગ લઈને આવ્યા, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબજપતિ ગૌતમ અદાણીના વ્યંગચિત્ર છપાયેલા હતા. અને તેની બીજી તરફ 'મોદી અદાણી ભાઈ ભાઈ' લખેલું હતું.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સદન ચાલી રહ્યું નથી અને સરકાર જાણીજોઈને સદન ચલાવી રહી નથી કે તે એમ કરવામાં અસમર્થ છે? આ તેની રણનીતિ છે. તે અદાણી પર ડરે છે. હું સંસદમાં નવી છું અને એ અજીબ છે કે વડાપ્રધાન અહીં ન આવ્યા. આ સત્રના 10 દિવસ થઇ ગયા છે.
તો લોકસભામાં હોબાળાના કારણે સ્પીકર ઓમ બિરલાએ સરકાર અને વિપક્ષ બંનેને કામ કરવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે, સાંસદ એક પવિત્ર જગ્યા છે અને તેની ગરીમા, પ્રતિષ્ઠા અને શિષ્ટાચાર ખૂબ છે. આપણે અહીં સ્વતંત્રતા હાંસલ કરી.
તેમણે વધુમાં કહ્યું કે, સહમતિ અને અસહમતિ આપણા લોકતંત્રની પરંપરા રહી છે. હું તમને ગરિમા બનાવી રાખવાનો આગ્રહ કરું છું. છેલ્લા કેટલાક દિવસથી હું સંસદ પરિસરમાં કેટલાક ખાસ પ્રકારના નારા, પોસ્ટર અને માસ્કનો ઉપયોગ થતો જોઈ રહ્યો છું. એ ન માત્ર અશોભનીય છે, પરંતુ સંસદીય પ્રક્રિયા અને પરંપરા વિરુધ પણ છે.