જમ્મુના આ ગામમાં રહસ્યમય બીમારીથી 17 લોકોના મોત, કન્ટેનમેન્ટ ઝોન જાહેર
Jammu and Kashmir Mysterious Deaths: જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં રહસ્યમય બીમારી ફેલાવાથી હાહાકાર મચી ગયો છે. આ ગંભીર બીમારીને કારણે અત્યાર સુધી રાજોરી સેક્ટરના અંતરિયાળ બધાલ ગામમાં 17 લોકોના મોત થઇ ચૂક્યા છે. મૃતકોમાં બધા 17 લોકો 3 અલગ-અલગ પરિવારના હતા. સતર્કતાને પગલે સરકારે આખા ગામને જ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા બાદ આ ગામના લોકો કોઈ પણ સાર્વજનિક જગ્યાએ નહીં જઇ શકે, અંગત સમારોહ આયોજિત નહીં કરી શકે અને ન તો કોઈ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.
આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ પણ એક વ્યક્તિ આ બીમારીથી પીડિત છે અને તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજોરીના એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજીવ કુમાર ખજૂરિયાએ આદેશ જાહેર કરતા ગામને 3 નિયંત્રણ ક્ષેત્રોમાં વહેચી દીધું છે. પહેલા ક્ષેત્રમા એ બધા પરિવાર સામેલ છે, જેમના ઘરમાં મોત થયા છે.
બીમારીને કારણે પરિવારજનોને ગુમાવનારા પરિવારના ઘરોને સીલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારબાદ પરિવારના લોકો સાથે-સાથે કોઈને પણ ઘરની અંદર જવાની મંજૂરી નહીં હોય. ઘર સીલ કર્યા બાદ તેમાં માત્ર અધિકૃત કર્મચારી અને અધિકારી જ પ્રવેશી શકે છે. આ ગામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 163 હેઠળ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ કલમ મેજિસ્ટ્રેટને કટોકટી સ્થિતિમાં લેખિત આદેશ જાહેર કરવાનો અધિકાર આપે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp