જાપાની વડાપ્રધાન શિગેરુ ઇશિબાને કેમ રાજીનામું આપવું પડ્યું? જાણો ઇનસાઇડ સ્ટોરી
જાપાનના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ રવિવારે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. ઇશિબાએ નવેમ્બર 2024માં જાપાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને માત્ર 10 મહિના બાદ જ તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું. 68 વર્ષીય ઇશિબાએ પોતાની પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ને કટોકટી નેતૃત્વ ચૂંટણી કરાવવા કહ્યું. તેમણે કહ્યું કે નવા નેતા પસંદ ન થાય ત્યાં સુધી તેઓ પોતાનું કાર્ય ચાલુ રાખશે.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, પોતાના ટૂંકા કાર્યકાળમાં તેમણે વધતી જતી મોંઘવારીએ અને જનતાના વધતા જતા ગુસ્સાને કારણે તેમના ગઠબંધનને ચૂંટણીમાં બહુમતી ગુમાવતા જોયું. જુલાઈમાં તાજેતરમાં ઉચ્ચ ગૃહની ચૂંટણીઓ હાર્યા બાદ પણ તેમણે રાજીનામું આપ્યું નહોતું, જ્યારે તેમના રાજીનામાની માગણીઓ થઈ રહી હતી. જેથી પાર્ટીમાં આંતરિક ઝઘડો પણ બહાર આવ્યો. તેના બદલે તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર અમેરિકા સાથેના વેપાર ડીલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેણે જાપાનના મહત્ત્વપૂર્ણ ઓટોમોબાઈલ ઉદ્યોગને હચમચાવી નાખ્યો અને આર્થિક વિકાસને પ્રભાવિત કર્યો.
શિગેરુ ઇશિબાએ ભાવનાત્મક સ્વરે કહ્યું કે જાપાન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ અને રાષ્ટ્રપતિના આદેશ પર હસ્તાક્ષર કરવાથી આપણે મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળી ગયા છીએ. હવે હું આગામી પેઢીને જવાબદારી સોંપવા માંગુ છું. રાજકીય અનિશ્ચિતતાને કારણે, જાપાનના ચલણ યેનના મૂલ્યમાં ઘટાડો થયો છે અને સરકારી બોન્ડનું વેચાણ વધ્યું છે. જ્યારે LDPએ પાર્ટીના નેતૃત્વને પસંદ કરવા માટે મતદાન કરવાનો નિર્ણય લીધો ત્યારે ઇશિબાના ભાવિને લઈને અટકળો વધુ તીવ્ર બની હતી.
કોઈઝુમી અને તાકાઇચીને, શિગેરુ ઇશિબાના સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવે છે. નવા નેતૃત્વ માટેની રેસથી અમેરિકાની ટેરિફથી પ્રભાવિત જાપાનના અર્થતંત્રમાં મુશ્કેલીઓ વધી શકે છે. બજારો એ વાત પર ધ્યાન આપી રહ્યા છે કે શું ઇશિબાનું સ્થાન સાને તાકાઇચી જેવા નેતા દ્વારા લેવામાં આવશે, જે ઢીલી આર્થિક નીતિઓને સમર્થન આપે છે અને વ્યાજ દર વધારવા બદલ બેંક ઓફ જાપાનની ટીકા કરે છે.
ગયા વર્ષે શિગેરુ ઇશિબાએ LDP નેતૃત્વના ચૂંટણીના બીજા રાઉન્ડમાં તાકાઇચીને ખૂબ જ ઓછા માર્જિનથી હરાવ્યા હતા. તો શિંજીરો કોઈઝુમી એક રાજકીય પરિવારમાંથી આવે છે અને ઈશિબાના કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, તેઓ ઈશિબાનું સ્થાન પણ લઈ શકે છે. તેમને વધતી કિંમતોને નિયંત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
જાપાનના મીજી યાસુદા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી કાઝુતાકા માએડાએ કહ્યું કે, LDPની સતત ચૂંટણીમાં હાર બાદ ઈશિબાએ રાજીનામું આપવું જરૂરી હતું. સંભવિત ઉત્તરાધિકારી કોઈઝુમી અને તાકાઇચી છે. કોઈઝુમી પાસેથી કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી, પરંતુ વ્યાજ દરો પર તાકાઇચીની નીતિ અને સતર્કતા નાણાકીય બજાર માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. જો કે, પાર્ટી પાસે સંસદમાં બહુમતી નથી, એટલે કોઈ ગેરંટી નથી કે આગામી LDP પ્રમુખ વડાપ્રધાન બનશે.
નિષ્ણાતોનું કહેવું છે કે, જે પણ આગામી નેતા બનશે તે જનાદેશ મેળવવા માટે તાત્કાલિક ચૂંટણી કરાવી શકે છે. જાપાનનો વિપક્ષ નબળો છે, પરંતુ અતિ-દક્ષિણપંથી અને માઈગ્રેશન વિરોધી સેન્સેટો પાર્ટીએ તાજેતરમાં સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે અને તેના વિચારોને મુખ્ય પ્રવાહની રાજનીતિમાં લાવી દીધા છે.
ક્યોદો ન્યૂઝ એજન્સીના સર્વેમાં 55% લોકોએ કહ્યું કે, વહેલી ચૂંટણીઓ કરાવવાની કોઈ જરૂર નથી. વડાપ્રધાન શિગેરુ ઇશિબાનું છેલ્લું કાર્ય ગયા અઠવાડિયે અમેરિકા સાથે ટ્રેડ ડીલ પૂર્ણ કરવાનું હતું. આ અંતર્ગત, જાપાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઓછા ટેરિફના બદલામાં 550 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp