Video: કુણાલ કામરાનો શિવ સૈનિકો પર નવો પેરોડી વીડિયો આવ્યો સામે, શું વિવાદ હજી વકરશે?
Kunal Kamra Row: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હોબાળો યથાવત છે. શિંદે પર કરેલી ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. કામરાએ તેની ટિપ્પણી પર માફી માગવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, પરંતુ સવાલ એ છે કે કુણાલ કામરા છે ક્યાં? આ મામલામાં ખાર પોલીસે કુણાલ કામરાને પૂછપરછ માટે નોટિસ મોકલી છે. આ દરમિયાન, કામરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના સ્ટેન્ડઅપ એક્ટનો એક એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો છે.
વાસ્તવમાં આ એક પેરોડી ગીત છે, જેમાં હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરતા શિવસૈનિકો અને હાલના વિવાદ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કામરાની તસવીરો અને તેના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે. કુણાલ કામરાના ઇન્સ્ટાગ્રામ બાયો અનુસાર, તે હાલમાં પુડુચેરીમાં છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ Xની હેડર તસવીર પર ડિસ્ક્લેમર લગાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રોગ્રામમાં અશિષ્ટ ભાષા, આપત્તિજનક કન્ટેન્ટ સામેલ છે અને એ લોકો માટે યોગ્ય નથી, જેમની ભાવનાઓ અને સંવેદનાઓને ઠેસ પહોંચી શકે છે, પરંતુ એ છતા તમને તેનાથી દુઃખ થાય છે તો એ સ્વેચ્છાએ તમારા દ્વારા જોવાતા કારણથી હશે.
👀👀👀 pic.twitter.com/C5Bnn81p5E — Kunal Kamra (@kunalkamra88) March 25, 2025
👀👀👀 pic.twitter.com/C5Bnn81p5E
મુંબઈના ખાર પોલીસ સ્ટેશનની પોલીસે કુણાલ કામરાને બીજું સમન્સ મોકલીને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. ખાર પોલીસે કામરાને મંગળવારે સવારે 11:00 વાગ્યે હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ કુણાલ કામરા હાજર થયો નહોતો. તેણે હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો પરંતુ પોલીસે કુણાલ કામરાની માગને ફગાવી દીધી હતી.
આ સમગ્ર વિવાદ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ. પરંતુ તેની પણ મર્યાદા હોવી જોઈએ. આ તો કોઈની સામે સોપારી લઈને બોલવા જેવું છે. દરમિયાન, હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડના પ્રશ્ન પર, શિંદેએ કહ્યું કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. હું આ વિશે વધુ નહીં કહું. હું તોડફોડને યોગ્ય ઠેરવતો નથી.
રવિવારે રાત્રે શિવસૈનિકોએ ખારમાં હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી. કુણાલ કામરાનો આ વિવાદાસ્પદ શૉ આ ક્લબમાં થયો હતો. દરમિયાન, સોમવારે BMC અધિકારીઓની ટીમે મુંબઈમાં હેબિટેટ સ્ટુડિયોનો એક ભાગ તોડી પાડ્યો હતો. આ સ્ટુડિયોમાં જ કામરાએ વિવાદાસ્પદ શૉ કર્યો હતો જેમાં શિંદે પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
પોતાની કમેન્ટ્સ અને હાજરજવાબીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે બોલિવુડ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના ગીત પર પેરોડી બનાવી હતી. આ ગીત દ્વારા તેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તીખી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી શિવસેના (શિંદે જૂથ) કાર્યકરો નારાજ થઇ ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp