આખરે શું છે બેલગાવી વિવાદ, જેના કારણે સામસામે આવી ગયા કોંગ્રેસ અને શિવસેના ઉદ્વવ જૂથ
What is Belagavi dispute Shiv Sena UBT, Congress: કર્ણાટક પોલીસે સોમવારે શિવસેના (UBT)ના પ્રતિનિધિઓને મહારાષ્ટ્ર બોર્ડર પર વાર્ષિક મરાઠી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે બેલગાવીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ત્યારબાદ આ મુદ્દે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. અને મહાગઠબંધનના બે મોટા પક્ષો કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ જૂથ સામસામે આવી ગયા હતા. કર્ણાટક સરકારે આ વર્ષે બેલગાવીમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના મરાઠી સંમેલન પર પ્રતિબંધ મૂક્યો હતો, જે કર્ણાટક વિધાનસભાના શિયાળુ સત્રની શરૂઆત સાથે એકરુપ હતો. તેણે મહારાષ્ટ્રના રાજકારણીઓને પણ આ કાર્યક્રમમાં સામેલ થતા રોકી દીધા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કમિટીએ મહારાષ્ટ્રના અગ્રણી રાજકારણીઓને આમંત્રિત કર્યા હતા જેમ કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, NCP પ્રમુખ અજીત પવાર, NCP (SP)ના વડા શરદ પવાર, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે જેવા મહારાષ્ટ્રના મુખ્ય રાજનેતાઓને સમિતિએ નિમંત્રણ આપ્યું હતું અને ઉદ્ધવ ગ્રુપે સમિતના નિમંત્રણને સ્વીકાર્યું હતું અને કોલ્હાપુરથી તેના પ્રતિનિધિઓએ આંતર-રાજ્ય સરહદ પર મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને બાજુથી ભારે પોલીસ હાજરી વચ્ચે બેલગાવી તરફ કૂચ શરૂ કરી.
પ્રતિનિધિમંડળ સરહદ પર પહોંચતાની સાથે જ કર્ણાટક પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસે પુણે-બેંગલુરુ NH 48 પર રોડ બ્લોક કરવા બદલ શિવ સેના (UBT)ના પ્રતિનિધિઓની અટકાયત કરી હતી અને તેમને કાગલ લઇ ગઈ.
બેલગાવી વિવાદ એ બે ભારતીય રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે લાંબા સમયથી ચાલતો સરહદ વિવાદ છે. આ વિવાદ મુખ્યત્વે બેલગાવી જિલ્લાને લઈને છે, જે હાલમાં કર્ણાટક રાજ્યનો એક ભાગ છે. 1956માં, જ્યારે ભારતમાં રાજ્યોનું ભાષાકીય ધોરણે પુનઃગઠન કરવામાં આવ્યું, ત્યારે બેલગાવી જિલ્લો કર્ણાટક રાજ્યને ફાળવવામાં આવ્યો. મહારાષ્ટ્ર દલીલ કરે છે કે બેલગાવી જિલ્લામાં મરાઠી ભાષી લોકોની બહુમતી છે અને તેથી આ વિસ્તાર ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે મહારાષ્ટ્રનો એક ભાગ હોવો જોઈએ. જ્યારે કર્ણાટક કહે છે કે બેલગાવી સદીઓથી કર્ણાટકનો એક ભાગ છે અને અહીંની સંસ્કૃતિ કન્નડ સંસ્કૃતિ સાથે વધુ જોડાયેલી છે.
બંને રાજ્યોમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવે છે અને તેનાથી તણાવ વધે છે. રાજકીય પક્ષોને લોકોને પોતાના પક્ષમાં લેવાની ઈચ્છા હોય છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે જો તણાવ વધશે તો તે બંને રાજ્યોના લોકો માટે નુકસાનકારક છે. બેલગાવીમાં મરાઠી અને કન્નડ બંને ભાષા બોલતા લોકો છે, જેના કારણે ભાષાકીય તણાવ પણ વધે છે. સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓને લઈને પણ બંને સમુદાયો વચ્ચે તણાવ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp