માસિકસ્રાવ સમયે સ્ત્રીઓએ સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લગતી આ બાબતો પર ધ્યાન આપવાની તાતી જરૂર છે.
03/27/2021
LifeStyle
Gynaec made simple!
ડૉ. નૂપુર છાસટીઆ
MD, DNB (Obs & Gynaec)
માસિકસ્રાવ (periods) એ પ્રજનનક્ષમ સ્ત્રીઓમાં થતી કુદરતી પ્રક્રિયા છે. આ વિષય અંગે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. સામાન્ય સંજોગોમાં લોકો આ વિષય ઉપર વાત કરતા પણ નાનમ અનુભવે છે. માસિક સમયે કોઈને અડકાય નહિ, કોઈના ઘરે જવાય નહિ, પૂજા-અર્ચના ન કરી શકાય, રસોડામાં પ્રવેશી ન શકાય, છોડને અડકી ન શકાય, માસિક સમયે નહાવું નહિ... વગેરે અનેક ગેરમાન્યતાઓ આજના આધુનિક કહેવાતા જમાનામાં પણ વિપુલ માત્રામાં જોવા મળે છે.
આ પ્રકારના નિષેધ (Taboo) અને નકારાત્મક વલણને દૂર કરવાની તાતી જરૂર છે. એના બદલે માસિકસ્રાવ સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી જોઈએ અને માસિકસ્રાવ સમયે શારીરિક સ્વચ્છતા જાળવવા અંગેની સમજ કેળવવી જોઈએ.
મેનસ્ટ્રુઅલ હાઈજીન જાળવવા શું કરવું જોઈએ?
માસિકસ્રાવ દરમિયાન સ્વછતા જાળવવા માટે સૌથી અસરકારક રસ્તો છે ડિસ્પોઝેબલ સેનેટરી પેડ્સ (sanitary pad) વાપરવા.
જો સેનેટરી પેડ શક્ય ન જ હોય, તો સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો. બહુ લાંબો સમય રાખવાને બદલે થોડા કલાકે કપડું બદલતા રહેવું. એકવખત ઉપયોગમાં લીધેલ કપડું ડેટોલના પાણીમાં વ્યવસ્થિત ધોઈને સૂરજના તડકામાં બરાબર સુકવ્યા બાદ જ ફરી ઉપયોગમાં લેવું.
શોષણશક્તિ વધારે હોય એવા જ પેડ કે કપડાં પસંદ કરવા.
એકબીજાના કપડા ન પહેરવા.
જાહેર સ્થળે કપડાં ગમે તેમ ન નાખવા
યોનિમાર્ગમાં કોઈ ભારે રસાયણો લગાવવા નહિ. ફક્ત હળવો સાબુ વાપરી શકાય.
માસિક સમયે સમાગમ કરવો હોય તો નિરોધનો ઉપયોગ અવશ્ય કરવો.
સેનેટરી પેડ (sanitary pad) કે કપડાની ગડી કમોડમાં નાખવી નહિ. એના બદલે પ્લાસ્ટીકની બેગમાં વ્યવસ્થિત રીતે પેક કરીને પછી જ ડસ્ટબિનમાં નાખવી.
ઘણી સ્ત્રીઓ માસિક સમયે નહાવાનું ટાળે છે. પણ વાસ્તવમાં આ સમયે શરીરને સ્વચ્છ રાખવાની વધાર જરૂર હોય છે. એટલે આ દિવસો દરમિયાન નિયમિત સ્નાન કરવું. જો જરૂર જણાય તો દિવસમાં બે વાર પણ સ્નાન કરી શકાય.
માસિક સમયે પોષણયુક્ત – ખાસ કરીને લોહતત્વ (આયર્ન) જળવાઈ રહે એવો ખોરાક લેવો. પ્રવાહી વધુ માત્રામાં લેવું.
માસિક સમયે રોજીંદી પ્રવૃત્તિઓ અને હળવી કસરત ચાલુ રાખી શકાય છે. માત્ર સ્વિમિંગ કરવાનું ટાળવું જોઈએ.
માસિક ખૂબ વધારે આવે, પેઢામાં દુઃખાવો થાય અથવા માસિકમાંથી ખરાબ વાસ આવે કે ખંજવાળ આવે તો ડોક્ટરને મળીને એમની સલાહ લેવી.
ટેમ્પોન (tampon) કરતાં પેડ વાપરવું વધુ સલાહભરેલ છે.
બહાર જતી વખતે પર્સમાં સેનેટરીપેડ અને પ્લાસ્ટીકની કોથળી સાથે અવશ્ય રાખવા. જેથી જરૂરિયાત ઉભી થાય ત્યારે એનો ઉપયોગ થઇ શકે.
પેશાબ કે શૌચ પછી હંમેશા આગળથી પાછળ તરફ સાફ કરવું.
મેનસ્ટ્રુઅલ કપનો ઉપયોગ
જેમ જેમ નવી શોધખોળ થતી જાય છે તેમ તેમ તમારી મેનસ્ટ્રુઅલ કીટમાં નવી વસ્તુઓ ઉમેરાતી જાય છે. તમારા પોતાના કમ્ફર્ટ મુજબ તમે એ વાપરી શકો છો. આવી જ એક કીટ એટલે મેનસ્ટ્રુઅલ કપ.
મેનસ્ટ્રુઅલ કપ એક એવું સાધન છે, જેને પેડ કે કપડાની જગ્યાએ વાપરી શકાય છે. તેણે યોનિમાર્ગમાં મુકવાથી માસિકસ્રાવ બહાર આવતો નથી, જેથી યોનિમાર્ગ અને નીચેનો ભાગ ચોખ્ખો રહે છે. આ કપ રી-યુઝેબલ છે. વળી ટે ઇકો-ફ્રેન્ડલી ગણાય છે. હાલમાં આ કપનો વપરાશ બહુ ઓછી સ્ત્રીઓ કરે છે. ઓનલાઈન સાઈટ્સ ઉપરથી મેનસ્ટ્રુઅલ કપ્સની ખરીદી આસાનીથી થઇ શકે છે.
મેનસ્ટ્રુઅલ કીટ સિવાય બીજી કેટલીક બબતો છે, જેમનું માસિકસ્રાવના દિવસો દરમિયાન ધ્યાન રાખવું જોઈએ.
માસિકસ્રાવ સંબંધી કેટલીક પ્રથાઓ અને એના જોખમો :
અસ્વચ્છ કપડા : યોનિમાર્ગ અને ગર્ભાશયમાં ચેપ લાગી શકે છે.
કપડા વારંવાર ન બદલવા : ચામડી પર ઇરીટેશન અને ઇન્ફેકશન થઇ શકે.
ટેમ્પોન (tampon) લાંબો સમય અંદર રાખવું : ટોક્સિક શોક સિન્ડ્રોમ (તાવ, ઉલટી, માથાનો અને પેઢામાં દુઃખાવો)
ટોઇલેટ ગયા બાદ પાછળથી આગળ ય્ર્ફ સાફ કરવું : યોનિમાર્ગમાં ચેપ
અનસેફ ડિસ્પોઝલ ઓફ સેનેટરી પેડ : ચેપનો પ્રસાર
કપડું બદલ્યા પછી હાથ ન ધોવા : ચેપનો પ્રસાર
યોગ્ય માસિકસ્રાવ સમયે ઉપર જણાવ્યા મુજબ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે તો ઘણા રોગોને અટકાવી શકાય છે, તેમજ ટીનએજ કન્યાઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp