૩ મહિનાની બાળકીના મોત બાદ સુરત સિવિલ હૉસ્પિટલ પર માતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
ગુજરાતના બહુચર્ચિત અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડ વિશે તો બધાને ખબર છે. આયુષ્યમાન કાર્ડના માધ્યમથી સરકારી નાણા ખંખેરી લેવાનો તેમનો કારસો સામે આવ્યો આવ્યો. બે લોકોને ખોટી રીતે સ્ટેન્ટ મુક્યા બાદ મોત થઇ જતા પરિવારજનોએ હોબાળો કરી દીધો હતો, ત્યારબાદ આ કાંડ સામે આવ્યો હતો. હવે સુરતની નવી સિવિલ હૉસ્પિટલ પર એક માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ડૉક્ટરોની બેદરકારીના કારણે ૩ મહિનાની બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ માતા દ્વારા લગાવવામાં આવ્યો છે.
ઝાડાની પરેશાની થતા ૩ મહિનાની બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સારવાર આપી રજા આપી દીધી હતી. બાળકીને રજા આપ્યા બાદ તબિયત વધુ બગડી ગઇ હતી. જેથી 8-10 દિવસ બાદ જ ફરી હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેને 7-C માં દાખલ કરી હતી. 27 ડીસેમ્બર સુધી સારવાર કર્યા બાદ બાળકીને રજા આપી દેવામાં આવી હતી, જો કે, ઘરે ગયા બાદ રોજ દવા આપતા હતા છતા તબિયત બગડતી જતી હતી.
6 જન્યુઆરીએ ફરી છોકરીને હૉસ્પિટલ લઇ આવ્યા હતા. ત્યારે ઝાડા હોવાનું જણાવ્યું હતું. તેને વેન્ટિલેટર પર લગાવતા જ મોઢામાંથી લોહી નીકળી આવ્યું હતું. ત્યારબાદ બાળકીને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. 3 મહિનાની બાળકીને સારવાર અને દવા આપવામાં ડૉક્ટરે ભૂલ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડૉક્ટરો પર એવો આક્ષેપ મુકાયો છે કે મૃતદેહ લઇ જવા ઉતાવળ કરાવવામાં આવી અને સહી કરાવવા દબાણ કર્યું. આ સમગ્ર મામલાનો વિવાદ સામે આવ્યા બાદ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
સુરતની નવી સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારે જણાવ્યું હતું, ''એક માતા હૉસ્પિટલની બહાર રડતી હતી, ત્યારે જઈને તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે તેના 3 માસના બાળકનું મોત થયું છે અને તે ડૉક્ટર્સ પર આક્ષેપો લગાવી રહી છે. આ મામલે મને લાગે છે કે તેણે બાળક ગુમાવવાને કારણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. આ અંગે અમે એક તપાસ સમિતિની પણ રચના કરી છે, જેમાં 3 ડૉક્ટરની ટીમ છે, જે કેસ સ્ટડી કરી હિસ્ટ્રી ચકાસી મને જાણ કરશે કે, તેમાં ડૉક્ટરોની બેદરકારી છે કે નહીં? હું માનુ છું ત્યાં સુધી મારા ડૉક્ટરોની બેદરકાર નથી તેમ છતા જે સમિતિનો નિર્ણય આવશે તે પ્રમાણે આગળ જાણ કરીશું.'
તો આ મામલે સુરત સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર જીગિશા પાટડિયાએ જણાવ્યું હતું કે આ બાળકી હૉસ્પિટલમાં ઘણી વખત આવી ચૂકી છે. તે ખૂબ નબળી હતી અને તેના માતા-પિતા સરખી કાળજી રાખતા નહોતા. 6 મહિના સુધી બાળકોને માતાનું ધાવણ અપાતું હોય છે. જો કે, છોકરીને દૂધની બોટલથી દૂધ પિવડાવાતું હતું, જેથી વારંવાર બીમાર પડી જતી હતી. જ્યારે પણ બાળકીને લાવતા ત્યારે તેના પરિવારને માતાનું દૂધ આપવાનું કહેવામાં આવતું હતું. 6 જન્યુઆરીયે એ બાળકીને ફરી લાવવામાં આવી હતી. ત્યારે તેની હાલત ગંભીર હતી એટલે ICUમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીનો પરિવારજનો દ્વારા ડૉક્ટરો સાથે ખૂબ જ અભદ્ર વર્તન કરવામાં આવતું હતું. સારવારમાં અડચણ ઊભી કરવામાં આવતી હતી. મૃતક બાળકીના પિતા દ્વારા જીવથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp