રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ક્યાં થવાનો હતો આતંકવાદી હુમલો? NIAનો મોટો ખુલાસો
કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ તેની તપાસના આધારે મોટો ખુલાસો કરતા ઔપચારિક રીતે માહિતી આપી છે કે 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. એજ દિવસે બેંગ્લોરમાં ભાજપની ઓફિસમાં IED બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ કોઇ કારણસર તે તારીખે એ યોજના નિષ્ફળ ગઇ હતી. ત્યારબાદ જ કર્ણાટકના બેંગ્લોરમાં સ્થિત રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને તેને ઘણા આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો.
તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર, આ તમામ ઇનપુટ્સ સંબંધિત આરોપીઓના નિવેદનો સહિત અન્ય પુરાવા કોર્ટને સોંપવામાં આવ્યા છે. હકીકતમાં, NIA દ્વારા 4 મુખ્ય આરોપીઓ વિરુદ્ધ સોમવારે જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં આ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. NIAએ એક નિવેદનમાં જણાવ્યું કે રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં દાખલ કરાયેલ ચાર્જશીટમાં નામ અપાયેલ આરોપી મુસાવીર હુસૈન શાજિબ, અબ્દુલ મતીન અહમદ તાહા, માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાહા અને શાજિબને તેમના હેન્ડલરના માધ્યમથી ક્રિપ્ટો કરન્સી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. તેની સાથે ટેલિગ્રામ મોબાઇલ એપ્લિકેશનનો પણ ખાસ કરીને ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIAની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ આ પૈસાનો ઉપયોગ બેંગ્લોરમાં હિંસાની વિવિધ ઘટનાઓને અંજામ આપવા માટે કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આમાં 22 જાન્યુઆરીએ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ટા સમારોહના દિવસે, બેંગ્લોરના મલ્લેશ્વરમ સ્થિત રાજ્ય ભાજપ કાર્યાલય પર નિષ્ફળ IED હુમલો પણ સામેલ છે, ત્યારબાદ 2 મુખ્ય આરોપીઓએ રામેશ્વરમ કાફે બ્લાસ્ટની યોજના બનાવી હતી.
ચાર્જશીટમ બેંગલુરુની વિશેષ NIA કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે 1 માર્ચના રોજ, બેંગલુરુના બ્રુકફીલ્ડમાં રામેશ્વરમ કાફેમાં IED બ્લાસ્ટમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને હૉટલની મિલકતને ભારે નુકસાન થયું હતું. NIAએ 3 માર્ચે આ કેસની તપાસ શરૂ કરી હતી અને વિવિધ રાજ્ય પોલીસ બળો અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં ઘણી ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે શાજિબ જ એ જ વ્યક્તિ છે જેણે બોમ્બ મૂક્યો હતો.
NIAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ISISના અલ-હિંદ મોડ્યૂલનો પર્દાફાશ થયા બાદ શાજીબ અને તાહા 2020થી ફરાર હતા. NIA દ્વારા મોટાપાયે શોધખોળ બાદ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના 42 દિવસ બાદ પશ્ચિમ બંગાળમાં તેમના ઠેકાણેથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, કર્ણાટકના શિવમોગા જિલ્લાના રહેવાસી આ બંને લોકો ISISના કટ્ટરપંથી હતા. તેઓ ભોળા મુસ્લિમ યુવાનોને ISISની વિચારધારા સાથે જોડવામાં સક્રિય રૂપે સામેલ હતા અને આવા યુવાનોમાં માઝ મુનીર અહમદ અને મુઝમ્મિલ શરીફનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાહા અને શાજિબે છેતરપિંડીથી મેળવેલા ભારતીય સિમ કાર્ડ અને ભારતીય બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો અને ડાર્ક વેબ પરથી ડાઉનલોડ કરાયેલા વિવિધ ભારતીય અને બાંગ્લાદેશી ઓળખ દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે શોએબ અહમદ મિર્ઝાએ તાહાનો પરિચય મોહમ્મદ શહીદ ફૈઝલ સાથે કરાવ્યો હતો, જે લશ્કર-એ-તૈયબા બેંગ્લોર ષડયંત્ર કેસમાં ફરાર છે. શોએબ અહમદ મિર્ઝા કેસમાં સજા ભોગવી ચૂક્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp