ભારતની ડિજિટલ સ્ટ્રાઈક, IT મંત્રાલયના આદેશ પર પાકિસ્તાનનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવાયું
મંગળવારે જમ્મુ-કશ્મીરના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ સહેલાણીઓને તેમના ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં 26 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ આખા દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ હુમલાના તાર સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયેલા છે ત્યારે ભારત સરકાર પણ એક્શન મોડ છે. સરકાર સતત બેઠકોનો દૌર ચલાવી રહી છે અને પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા માટે મોટા મોટા નિર્ણયો લઈ રહી છે. બીજી તરફ સેનાના જવાન પણ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. તો હવે ભારતના IT મંત્રાલયના આદેશ પર એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, હવે ભારત સરકારના માહિતી ટેક્નોલોજી મંત્રાલય (IT મંત્રાલય)એ એલોન મસ્કના X પ્લેટફોર્મને ભારતમાં પાકિસ્તાની સરકારનું X એકાઉન્ટ બ્લોક કરવા કહ્યું હતું. Xએ ભારત સરકારની આ વિનંતી પર કાર્યવાહી કરતા એ એકાઉન્ટને ભારતમાં બંધ કરી દીધું છે. તેનો સીધો અર્થ એ થયો કે પાકિસ્તાની સરકારનું X એકાઉન્ટ હવે ભારતમાં નહીં દેખાય. X પ્લેટફોર્મ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરના નેતાઓ અને સરકારો પાસે વેરિફાઇડ એકાઉન્ટ્સ છે. આ એકાઉન્ટ્સ દ્વારા તેઓ પોતાના દેશના નિર્ણયો અને અન્ય માહિતી આપે છે. ઉપર આપવામાં આવેલા સ્ક્રિનશોટસમાં તમે જોઈ શકો છો, જેમાં લખ્યું છે IN એટલે કે ભારતમાં કાયદાકીય માગને કારણે પાકિસ્તાન સરકારના એકાઉન્ટને રોકી દેવામાં આવ્યું છે.
મંગલવારે જમ્મુ-કશ્મીરના પહેલગામમાં સ્થિત બૈસરન વેલીમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 26 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ હુમલા બાદ બુધવારે સાંજે કેબિનેટ કમિટી પોન સિક્યોરિટી (CCS)ની મહત્ત્વની બેઠક થઈ હતી, જેમાં પાકિસ્તાન વિરુદ્ધ 5 સખત નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમાં ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિત અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરવામાં આવશે. પાકિસ્તાનમાં ઉપસ્થિત ભારતનું દૂતાવાસ બંધ કરવામાં આવશે. સિંધુ જળ સંધિને રદ કરી દેવામાં આવી છે. ભારતમાં ઉપસ્થિત બધા પાકિસ્તાની રાજદૂતોને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશા આપવામાં આવ્યો છે. પાંચમો અને મહત્ત્વનો નિર્ણય હવે પાકિસ્તાનીઓને ભારતના વિઝા નહીં મળે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે કડક કાર્યવાહી કરી રહી છે. આ સંદર્ભમાં ભારતે પાકિસ્તાની રાજદૂતોને પણ સમન્સ પાઠવ્યું છે. ભારતે પાકિસ્તાનના લશ્કરી રાજદૂતોને એક ઔપચારિક પર્સોના નોન ગ્રેટા નોટ સોંપી છે. પર્સોના નોન ગ્રેટાનો સીધો અર્થ રાજદ્વારી અથવા અન્ય વિદેશી વ્યક્તિને કોઈ ચોક્કસ દેશમાં પ્રવેશવાનો કે રહેવા માટે ના પાડવાનો થાય છે. ભારતે પાકિસ્તાનના સૈન્ય રાજદૂતોને આ નોટ આપી છે. ત્યારબાદ તેમણે એક અઠવાડિયાની અંદર ભારત છોડવું પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp