પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી IPL 2025માંથી બહાર
Lockie Ferguson: આજે પંજાબ કિંગ્સ (PBKS)ની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે મેચ છે. મેચ અગાઉ શ્રેયસ ઐયર અને ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે, ટીમમાં સામેલ ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસન ઈજાને કારણે આખા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. હૈદરાબાદ સામેની મેચ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તે મેદાન છોડીને જતો રહ્યો હતો.
પંજાબ કિંગ્સના બોલિંગ કોચ જેમ્સ હોપ્સે મુલ્લાંપુર સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ અગાઉ જણાવ્યું હતું કે, ‘લોકી ફર્ગ્યૂસન અનિશ્ચિત સમય માટે બહાર થઇ ગયો છે અને ટૂર્નામેન્ટના અંત સુધીમાં તે પાછો ફરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે. મને લાગે છે કે તેને ખૂબ ગંભીર ઈજા થઈ છે.’ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ફર્ગ્યૂસનને ડાબા પગમાં, કમરની નીચે ઈજા થઈ હતી. ફિઝિયો આવ્યા અને તેમની સલાહ લીધા બાદ, તે ઓવરની વચ્ચે જ મેદાન છોડી ગયોને જતો રહ્યો હતો અને પાછો ફર્યો જ નહીં. હૈદરાબાદે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
પંજાબ કિંગ્સે હરાજીમાં ફર્ગ્યૂસનને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનારો બીજો બોલર છે, જેણે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા 157.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. થોડા દિવસો અગાઉ, કેપ્ટન શ્રેયસ ઐયરે પણ કહ્યું હતું કે, તે ટીમ માટે એક મહત્ત્વપૂર્ણ બોલર છે કારણ કે તે હંમેશાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.
IPL 2025માં રમાયેલી 4 મેચોમાં, તેણે 68 બૉલ ફેંક્યા છે, જેમાં તેણે 9.18ની ઇકોનોમીથી 104 રન આપીને 5 વિકેટ લીધી છે. IPLની વાત કરીએ તો, તેણે 2017થી લઇને અત્યાર સુધી 49 મેચોમાં 51 વિકેટ લીધી છે, તેની શ્રેષ્ઠ સ્પેલ 28 રન આપીને 4 વિકેટ લેવાની રહી છે.
આજે શ્રેયસ ઐયર એન્ડ ટીમની મેચ મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાશે. પંજાબ કિંગ્સ હાલમાં છઠ્ઠા નંબરે છે, તેને 5માંથી 2 મેચમાં હાર મળી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 6માંથી 3 મેચ જીતી છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેઓ પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp